ઉત્તર પ્રદેશમાં મકાન બનાવનારાઓ સામે મોટું સંકટ ઊભું થવા જઈ રહ્યું છે, કારણ કે રાજ્યના ઈંટના ભઠ્ઠા એક વર્ષ માટે બંધ થવા જઈ રહ્યા છે. ઈંટો પર જીએસટી વધારવામાં આવતા યુપી બ્રિક્સ એસોસિએશન નારાજ છે. એસોસિએશને કોલસાની કિંમતોમાં 200થી 300 ટકાનો વધારો અને GSTમાં વધારો કર્યા બાદ એસોસિએશને ઈંટના ભઠ્ઠા બંધ કરવાનો નિર્ણય લીધો છે.
વાસ્તવમાં ઉત્તર પ્રદેશને દર વર્ષે 12 લાખ ટન કોલસો મળવાનો હતો, પરંતુ છેલ્લા ચાર વર્ષમાં માત્ર 76 હજાર ટન કોલસો જ મળ્યો છે. વિદેશથી આવતો કોલસો ઘણો મોંઘો થઈ ગયો છે. આ સાથે યુપી બ્રિક્સ એસોસિએશનની સરકારી અને અર્ધ-સરકારી નિર્માણમાં લાલ ઈંટના આંશિક પ્રતિબંધને લઈને પણ નારાજગી છે.
યુપી બ્રિક્સ એસોસિએશનનું કહેવું છે કે, કોલસાના ભાવમાં 350 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે, અહીં સુધી કે શ્રમ કરાર પરનો જીએસટી પણ 5 ટકાથી વધારીને 12 ટકા કરવામાં આવ્યો છે, બીજા અને થર્મલ પાવર પ્લાન્ટ્સની અવશેષ રાખમાંથી ઇંટો બનાવવા માટે કેન્દ્ર સરકાર નવી યુક્તિ અપનાવી રહી છે, જેના હેઠળ એક તરફ GSTમાં ઘટાડો કરવામાં આવ્યો છે. બીજી તરફ એક માર્ગદર્શિકા જારી કરવામાં આવી હતી કે 20 હજાર ચોરસ ફૂટથી વધુની ઇમારતોના બાંધકામમાં અને સરકારી નિર્માણમાં રાખમાંથી બનેલી ઇંટોનો ઉપયોગ ફરજિયાત રહેશે.’ આ જ કારણ છે કે બ્રિક્સ એસોસિએશને રાજ્ય અને દેશમાં એક વર્ષ સુધી ઈંટના ભઠ્ઠાઓ બંધ રાખીને હડતાળ કરવાનો નિર્ણય લીધો છે.
ઉત્તર પ્રદેશમાં ઓક્ટોબર 2022થી સપ્ટેમ્બર 2023 સુધી ઈંટના ભઠ્ઠાઓ બંધ રાખવા અને દેશમાં હડતાળ પર જવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં 19 હજાર ઈંટના ભઠ્ઠા છે, જે એક વર્ષ સુધી બંધ રહેશે. જેની સીધી અસર મકાન બનાવનારાઓ પર પડશે. એટલે કે આગામી સમયમાં ઇંટોના ભાવ આસમાને પહોંચી શકે છે.
યુપી બ્રિક્સ એસોસિએશનના અધિકારીએ જણાવ્યું કે, ઈંટ નિર્માણમાં ઉત્પાદન ખર્ચ 4 ગણો વધી ગયો છે, આ સિવાય નવા-નવા નિયમો અને કાયદા લાગુ કરવામાં આવી રહ્યા છે, આ કારણોસર ભઠ્ઠા માલિકો આર્થિક દેવા હેઠળ ડૂબી ચૂક્યા છે અને ઈંટ નિર્માણમાં ખર્ચ એટલો વધી ગયો છે કે નફો છોડો, જેટલો ખર્ચ કર્યો એટલા પૈસા પણ નથી નિકળતા.