સ્માર્ટફોનમાં ઘણી બ્રાન્ડના પ્રોસેસર્સનો ઉપયોગ થાય છે. Qualcomm, MediaTek ઉપરાંત Unisocનું નામ પણ હાલમાં જ આ લિસ્ટમાં જોડાયું છે. જ્યાં પ્રીમિયમ એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં Qualcomm પ્રોસેસર આપવામાં આવી રહ્યું છે. તો અપર મિડ રેન્જ અને બીજા સેગમેન્ટમાં મીડિયાટેક પ્રોસેસર મળે છે.
જોકે, કંપનીઓએ એન્ટ્રી લેવલના ડિવાઇસની કિંમત ઓછી રાખવાની છે, તેથી બ્રાન્ડ્સે Unisoc પ્રોસેસર્સનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. આ પ્રોસેસર 10 હજાર રૂપિયાથી ઓછા અથવા તેની આસપાસના બજેટ ફોનમાં મળે છે.
રિપોર્ટમાં થયો નવી ખામીનો ખુલાસો
તાજેતરના આવેલા એક રિપોર્ટનું માનીએ તો જે સ્માર્ટફોનમાં યુનિસોક પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તે સુરક્ષિત નથી. આ ચિપસેટમાં એક મોટી ખામી છે, જેના કારણે ફોન હેક થઈ શકે છે. લેટેસ્ટ રિપોર્ટ ચેક પોઈન્ટ રિસર્ચનો છે, જેનું માનીએ તો Unisoc 4G અને 5G ચિપસેટમાં એક મોટી સિક્યોરિટી ફ્લો છે. તેને CVE-2022-20210 નામ આપવામાં આવ્યું છે.
હેકર્સ બનાવી શકે છે સરળ ટાર્ગેટ
રિસર્ચર્સનું કહેવું છે કે, તેમને આ ખામી નોન-એક્સેસ સ્ટ્રેટમ (NAS) મેસેજ હેન્ડલર્સને સ્કેન કરતી વખતે મળી છે. આ વૂલનેરેબિલિટીનો ઉપયોગ કરીને હેકર્સ ફોનની સેલ્યુલર કમ્યુનિકેશન ક્ષમતાને તટસ્થ અથવા સંપૂર્ણપણે બંધ કરી શકે છે.
ચેક પોઈન્ટ રિસર્ચના રિવર્સ એન્જિનિયરિંગ અને સિક્યોરિટી રિસર્ચ એટર્ની Salva Makkaveevએ જણાવ્યું કે, “એક હેકર રેડિયો સ્ટેશનનો ઉપયોગ કરીને વાયરસ મોકલી શકે છે, જે મોડલને રિસેટ કરી શકે છે અને યુઝર્સની કમ્યૂનિકેશનને સંપૂર્ણપણે બ્લોક કરી શકે છે.”
ક્યા પ્રોસેસરમાં મળે છે વૂલનેરેબિલિટી
નવી વૂલનેરેબિલિટી Unisoc T700 પ્રોસેસરમાં મળી છે, જે Motorola G20માં લાગેલું છે. આ ચિપસેટ માટે જાન્યુઆરી 2022નો એન્ડ્રોઇડ સિક્યોરિટી પેચ રિલીઝ કરવામાં આવ્યો છે. સંશોધકોના જણાવ્યા અનુસાર, નવી સમસ્યા મેમાં મળી આવી હતી અને તે હજુ પણ યુનિસોક ચિપસેટમાં હાજર છે.
જેના કારણે હેકર્સ એવા ફોનને ટાર્ગેટ કરી શકે છે જેમાં યુનિસોકનું આ પ્રોસેસર હોય. રિસર્ચ ફર્મના જણાવ્યા અનુસાર, તેઓએ કંપનીની આ નબળાઈ વિશે માહિતી આપી છે.