ભારતીય રેલવેના એવા ઘણા નિયમો છે, જેના વિશે લોકો જાણતા નથી અથવા જાણતા હોવા છતાં તેનો દુરૂપયોગ કરે છે. તેમાં ચેઇન પુલિંગનો પણ સમાવેશ થાય છે. ચેઇન પુલિંગ વિશે તમે કંઇક તો જાણતા જ હશો, પરંતુ તેમ છતાં અમે તમને જણાવી દઇએ કે ઇમરજન્સીમાં ચાલતી ટ્રેનને રોકવા માટે દરેક કોચમાં એક ચેઇન આપવામાં આવે છે, જેને ખેંચવાથી ટ્રેન ઉભી રહી જાય છે. જો કે, કેટલાક લોકો એવા પણ હોય છે જે કોઈ પણ ઈમરજન્સી વગર ચેઈન પુલિંગ કરે છે.
રેલવેનું કહેવું છે કે, આવું કરવું ગુનો છે અને આ માટે સજા અને દંડની જોગવાઈ છે. એટલે કે, જો કોઇ વ્યક્તિ ઇમરજન્સી વગર ચેઇન ખેંચીને ટ્રેનને રોકવાનો પ્રયાસ કરે છે, તો રેલવે પોલીસ તેમની ધરપકડ કરી શકે છે. આજે અમે તમને જણાવીશું કે તમે કયા સંજોગોમાં ટ્રેનની ચેઇનને ખેંચી શકો છો?
સૌથી પહેલા તો જાણીએ કે આખરે ચેઇન ખેંચ્યા પછી ટ્રેન કેવી રીતે ઉભી રહી જાય છે? હકીકતમાં, ટ્રેનની ચેઇન ટ્રેનની મુખ્ય બ્રેક પાઇપ સાથે જોડાયેલી હોય છે. આ પાઈપોની વચ્ચે હવાનું દબાણ બન્યું રહે છે. પરંતુ જ્યારે ચેઇન ખેંચાય છે, ત્યારે આ હવા બહાર નીકળી જાય છે.હવાના પ્રેશરમાં આવેલા આ ઘટાડાને કારણે ટ્રેનની ઝડપ ધીમી પડી જાય છે, ત્યારબાદ લોકો પાયલોટ ત્રણ વખત હોર્ન વગાડીને ટ્રેનને રોકી દે છે.
સવાલ એ પણ થાય છે કે આખરે રેલવે પોલીસને કેવી રીતે ખબર પડે છે કે કઈ બોગીમાંથી ચેઇન પુલિંગ કરવામાં આવી છે? વાસ્તવમાં, ટ્રેનોના કોચમાં ઈમરજન્સી ફ્લેશર્સ લાગેલા હોય છે, જે જણાવે છે કે ટ્રેનની સાંકળ ક્યાંથી ખેંચાઈ છે. જો ફ્લેશર્સ નથી લગેલા તો ટ્રેનના ગાર્ડે જઇને જોવું પડશે કે ટ્રેનના કયા કોચમાં વાલ્વ કાઢવામાં આવ્યો છે. જે કોચમાંથી એર પાઇપનું ઢાંકણું બહાર નીકળેલું હોય છે, તે કોચને ચેઇન પુલિંગની જગ્યા માનવામાં આવે છે.
ચેઇન પુલિંગની સુવિધાનો દુરુપયોગ રેલવેના નિયમો હેઠળ કાનૂની ગુનો છે. રેલવે અધિનિયમની કલમ 141 હેઠળ જો કોઈ મુસાફર કોઈપણ યોગ્ય કારણ વગર એલાર્મ ચેનનો ઉપયોગ કરે છે, તો તેમને 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવી શકે છે અથવા 1 વર્ષની જેલની સજા થઇ શકે છે.
આ પરિસ્થિતિઓમાં ટ્રેનમાં ચેઈન પુલિંગ માન્ય છે
– જો કોઈ સહ-મુસાફર, જેમની ઉંમર 60 વર્ષથી વધુ હોય અથવા કોઈ બાળક ટ્રેન ચૂકી જાય અને ટ્રેન ચાલતી થઇ જાય.
– ટ્રેનમાં આગ લાગે ત્યારે ચેઈન પુલિંગ માન્ય છે.
– વૃદ્ધ અથવા વિકલાંગ વ્યક્તિ ટ્રેનમાં ચઢવામાં સમય લાગી રહ્યો હોય અને ટ્રેન દોડવા લાગે ત્યારે પણ ચેઈન પુલિંગ માન્ય છે.
– અચાનક કોઈની તબિયત બગડી જાય (સ્ટ્રોક અથવા હાર્ટ એટેક).
– જો ટ્રેનમાં ચોરી કે લૂંટની ઘટના બને.