SBI loan scheme for Salaried account holders: જો તમારી પાસે માત્ર સેલેરી એકાઉન્ટ છે, તો ઈમરજન્સીમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) તમારી 20 લાખ રૂપિયા સુધીની મદદ કરી શકે છે. એવું જરૂરી નથી કે તમારું સેલેરી એકાઉન્ટ એસબીઆઈમાં જ હોવું જોઈએ, કોઈ પણ બેંકમાં બસ તમારું સેલેરી એકાઉન્ટ મેન્ટેન હોવું જોઈએ. ખરેખર, SBI પગારદાર ખાતાધારકો માટે કસ્ટમાઇઝ્ડ પર્સનલ લોન પ્રોડક્ટ (SBI customized Personal Loan) ઓફર કરે છે. આમાં લગ્ન, રજાઓ, ઈમરજન્સી, માટે તરત જ પર્સનલ લોન ઓપ્રુવ થઇ જાય છે. પ્રોડક્ટની વિશેષતા એ છે કે, તેનું એપ્રુવલ તમને કોન્ટેક્ટલેસ લેન્ડિંગ પ્લેટફોર્મ (CLP) દ્વારા મળી જશે. ચાલો જાણીએ આ સ્કીમ વિશે બધું જ…
કોને મળે છે આ લોનનો ફાયદો
SBIની આ કસ્ટમાઈઝ્ડ પર્સનલ લોન માટે ગ્રાહકની પાસે કોઈપણ બેંકમાં સેલેરી એકાઉન્ટ હોવું જોઈએ. તેમનો મિનિમમ માસિક પગાર (NMI) 15,000 રૂપિયાથી ઓછો ન હોવો જોઈએ. બેંકનું કહેવું છે કે, લોન માટે અરજી કરનાર વ્યક્તિ કેન્દ્ર, રાજ્ય અથવા અર્ધ-સરકારી, સેન્ટ્રલ અથવા સ્ટેટ PSU, કોર્પોરેટ અથવા નેશનલ લેવલની શૈક્ષણિક સંસ્થાઓના કર્મચારી હોવા જોઈએ. લોન અરજદારની ઉંમર 21થી 58 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને તેમણે ઓછામાં ઓછું 1 વર્ષ કામ કર્યું હોવું જોઈએ. આમાં, EMI/NMI રેશિયો 50 ટકાથી ઓછો હશે.
કેટલી મળશે લોન
SBIની આ પર્સનલ લોન સ્કીમમાં મિનિમમ 24,000 રૂપિયા અને મેક્સિમમ 20 લાખ રૂપિયા સુધીની લોન મળી શકે છે. એસબીઆઈના જણાવ્યા અનુસાર, પગારદાર ગ્રાહકો માટે રચાયેલ આ પર્સનલ લોન પ્રોડક્ટ્સને કોઈપણ પ્રકારની સિક્યોરિટી કે ગેરંટીની જરૂર પડશે નહીં.
જાણો શું હશે વ્યાજ દર
પગારદાર ગ્રાહકો માટે SBI પર્સનલ લોન પર વ્યાજ દર 9.85-11.35 ટકા વાર્ષિકથી શરૂ થશે. બેંકનું કહેવું છે કે, આમાં ગ્રાહકોએ કોઈ હિડન ચાર્જ ચૂકવવો પડશે નહીં. પ્રોસેસિંગ ફી પણ ઘણી ઓછી હશે. આ લોનની રકમના 1.5 ટકા (મનિમમ 1,000 રૂપિયા અને મેક્સિમમ 15,000 રૂપિયા પ્લસ GST) હશે. આમાં સેકન્ડ લોન લેવાની પણ જોગવાઈ છે.
આ ડોક્યુમેન્ટ્સની પડશે જરૂર
પર્સનલ લોન માટે આવકવેરા રિટર્નની નકલ, છેલ્લા છ મહિનાનું બેંક સ્ટેટમેન્ટ, લેટેસ્ટ સેલરી સ્લિપ, 2 પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ અને ઓળખનો પુરાવો અને સરનામાનો પુરાવો આપવો પડશે.
(નોંધ: આ માહિતી SBIની સત્તાવાર વેબસાઈટ પરથી લેવામાં આવી છે. સ્કીમ હેઠળ લોન માટે અરજી કરતા પહેલા વ્યાજ દર, પેનલ્ટી, પ્રોસેસિંગ ફી સહિત અન્ય KYC સંબંધિત માહિતી બેંક પાસેથી જાણી લો)