સુરેન્દ્રનગરઃ બહેરીનમાં 2થી 6 ડિસેમ્બર દરમિયાન યોજાયેલી એશિયન યુથ પેરા ગેમ્સ 2021માં ચોટીલાના લાખણકા ગામના રાહુલ જોગરાજીયાએ 100 કિલો પાવર લીફટીંગમાં સિલ્વર મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યુ છે.
તારીખ 2 થી 6 ડિસેમ્બર દરમિયાન બહેરીન ખાતે એશિયન યુથ પેરા ગેમ્સ 2021નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારત તરફથી અનેક યુવાનોએ ભાગ લીધો હતો. એશિયન યુથ પેરા ગેમ્સ 2021માં ચોટીલા તાલુકાના લાખણકા ગામના ખેડૂત લાખાભાઇ જેરામભાઇ જોગરાજીયાના દિવ્યાંગ પુત્ર રાહુલ જોગરાજીયાએ પણ ભાગ લીધો હતો.
દિવ્યાંગ ખેલાડી રાહુલ જોગરાજીએ 100 કિલો પાવર લીફટીંગમાં ત્રણ રાઉન્ડના અંતે જીત હાંસલ કરી સિલ્વર મેડલ જીત્યો હતો. રાહુલે પાવર લીફટીંગમાં સિલ્વર મેડલ જીતી આંતરરાષ્ટ્રીય સ્તરે દેશ, ગુજરાત અને પોતાના વતનનું નામ રોશન કર્યું છે. જેના પગલે સમગ્ર પંથકમાં ખુશીની લહેર છવાઈ છે.
ઝળહળતી સફળતા પામનાર યુવાન રાહુલ જોગરાજીયા ત્રણેક વર્ષ પહેલા ગુજરાત યુનિવર્સિટીના મેદાનમાં ગોળાફેક, ભાલાફેકની પ્રેક્ટિસ કરતા હતા તે સમયે ખેલ મહાકુંભની તૈયારી કરાવતા દિલીપભાઈ શુક્લાની નજર તેમના પર પડી હતી. તેઓને રાહુલ જોગરાજીયાના કાંડામાં બળ દેખાયું અને તેમને પાવર લીફટીંગની તાલીમ આપી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ નાગપુર અને બેંગ્લોર ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં રાહુલ જોગરાજીયાએ પાવર લીફ્ટીંગમાં બે ગોલ્ડ મેડલ મેળવ્યા છે. મહત્વનું છે કે રાહુલ જોગરાજીયાએ પ્રથમ વખત જ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધામાં ભાગ લઈ સફળતાના સોપાન સર કર્યા છે.