સામાન્ય રીતે શિક્ષકનું નામ સાંભળતા જ આપણને સૌને શાળામાં શિક્ષણનો અભ્યાસ કરાવતા જ શિક્ષકોની છબી યાદ આવે પરંતુ કોઈ એવા શિક્ષક મળી જાય તો જે શાળામાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતાની સાથે શાકભાજીની ઓર્ગેનિક ખેતી પણ શાળામાં જ કરે છે, આ વાત સાંભળીને નવાઈ લાગશે પરંતુ આ વાતને સાર્થક કરી છે વીરપુર પાસેના ગોંડલ તાલુકાના નવાગામ ગામના પ્રાથમિક શાળાના દિવ્યાંગ શિક્ષક જયંતી ભાઈ ભાખોતરાએ.
છેલ્લા દસ વર્ષથી જયંતી ભાઈ ભખોતરા નવાગામ પ્રાથમિક શાળામાં સામાજિક વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવે છે, જયંતી ભાઈએ છેલ્લા ત્રણ વર્ષથી નવાગામ પ્રાથમિક શાળાના ગ્રાઉન્ડમાં એક પર્યાવરણ પ્રયોગ શાળા બનાવી છે જેમાં તે શાકભાજીનું વાવેતર કરીને ઓર્ગેનિક શાકભાજી ઉગાડે છે જયંતી ભાઈએ ગયા વર્ષે શાળામાં ઓર્ગેનિક શાકભાજી જેમકે લીલી હળદર, ટમેટી, ડુંગળી, લસણ વગેરેનું વાવેતર કર્યું હતું, જ્યારે ચાલુ વર્ષે શકરિયા ગાજરનું વાવેતર કરેલ છે ખાસ વાત એ છે કે જે પણ શાકભાજી પાકે છે તે શાકભાજીનો ઉપયોગ શાળામાં ભણતા 200 જેટલા વિદ્યાર્થીઓને અપાતા મધ્યાહન ભોજન બનાવવામાં કરવામાં આવે છે.
નવાગામ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા દિવ્યાંગ શિક્ષક જયંતી ભાઈએ શાળામાં જ કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતરો નાખ્યા વગર જ ઓર્ગેનિક શાકભાજી ઉગાડ્યું છે, તે માટે તેઓ દરરોજ શાળાના અભ્યાસના સમય પછી બે કલાક સુધી પોતે દિવ્યાંગ હોવા છતાં શાકભાજીના વાવેતરની માવજત કરે છે તેમને ટાઈમ સર પાણી, નિંદામણ વગેરે તેઓ પોતેજ મહેનત કરીને કરે છે.
તેમનો હેતુ એ છે કે શાળામાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજનમાં બહારના શાકભાજી કરતા અહીંયા જ ઉગાડેલ ઓર્ગેનિક શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે. વિદ્યાર્થીઓને સાત્વિક અને શુદ્ધ વિટામિન મળી રહે અને વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય સારું રહેશે.
જુઓ, વીડિયો