અમેરિકન સ્પેસ એજન્સી NASA તરફથી કહેવામાં આવ્યું છે કે તેને હજુ સુધી સત્તાવાર રીતે રશિયા તરફથી એવી કોઈ માહિતી આપવામાં આવી નથી કે તે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)ની બહાર જઈ રહ્યું છે. મંગળવારે, રશિયા ફરી એકવાર ચર્ચામાં આવી ગયું જ્યારે રશિયાએ એવો નિર્ણય કર્યો કે તે ISSમાંથી તેના અવકાશયાત્રીઓને પાછા બોલાવશે. પરંતુ NASA ના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી તેમને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તરફથી કોઈ સત્તાવાર માહિતી મળી નથી.
NASA અનુસાર, ISS પર અવકાશયાત્રીઓ અને જમીન પર ટીમના સભ્યોને પણ સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. હાલમાં, બધા સાથે મળીને કામ કરી રહ્યા છે અને લેબોરેટરીને સંભાળી રહ્યા છે. NASA ના પ્રશાસક બિલ નેલ્સને આ અંગે એક અખબારને માહિતી આપી હતી.
રશિયાનું પોતાનું સ્ટેશન!
બિલ નેલ્સને કહ્યું, ‘અત્યાર સુધી નાસાને રશિયા તરફથી આ મામલે કોઈ નિર્ણય અંગે કોઈ માહિતી મળી નથી. અમે હજુ પણ લો-અર્થ ઓર્બિટ (LEO)માં ભવિષ્યની ક્ષમતાઓ પર સાથે મળીને કામ કરી રહ્યા છીએ.’ જો કે રશિયાએ તેની જાહેરાતમાં કહ્યું કે તે 2024 પછી ISS છોડી દેશે અને પોતાનું એક સ્પેસ સ્ટેશન બનાવશે. આ નિવેદન રશિયાની સ્ટેટ સ્પેસ એજન્સી રોસકોસમોસના વડા યુરી બોરીસોવ તરફથી આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, ‘મને લાગે છે કે ત્યાં સુધીમાં અમે રશિયન સ્પેસ સ્ટેશન તૈયાર કરવાનું શરૂ કરી દઈશું.’ બોરીસોવે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત બાદ આ વાત કહી.
આટલી કિંમતમાં તૈયાર થશે આ સ્પેસ સ્ટેશન
એક રશિયન અખબારે બોરીસોવને ટાંકીને કહ્યું કે રશિયાનો સ્પેસ પ્રોગ્રામ તેની ટોચની પ્રાથમિકતા છે. બોરિસોવે અખબારને જણાવ્યું કે ‘અલબત્ત, અમે અમારા સાથીઓ સાથે અમારી તમામ જવાબદારી પૂરી કરીશું, પરંતુ 2024 પછી ISS છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.’ બોરીસોવે પુતિનને વારંવાર કહ્યું છે કે રશિયાનો અવકાશ ઉદ્યોગ મુશ્કેલીમાં છે. તેમણે રાષ્ટ્રપતિને કહ્યું કે આનું સ્તર ઊંચું કરવાની જરૂર છે. બોરીસોવના મતે જો દેશની અર્થવ્યવસ્થાને આગળ વધારવી હોય તો સ્પેસની તમામ જરૂરિયાતો પૂરી કરવી પડશે. એક રિપોર્ટ અનુસાર, રશિયાના નવા સ્પેસ સ્ટેશન પર લગભગ $6 બિલિયનનો ખર્ચ થશે.
ISS શું છે, તે ક્યારે શરૂ થયું
વર્ષ 1998માં, અમેરિકા અને રશિયા દ્વારા સંયુક્ત રીતે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) શરૂ કરવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક વર્ષોમાં રશિયા અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી હોવાથી આ ક્ષેત્રમાં પરસ્પર સહયોગને પણ ઘણી અસર થઈ છે. યૂક્રેન પર થયેલા હુમલાને પગલે રશિયાએ ISSમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. યૂક્રેન પર હુમલા બાદ રશિયા પર અનેક પ્રતિબંધો લાગ્યા છે.
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પૃથ્વીથી લગભગ 250 માઇલ દૂર છે. અહીં 100 બિલિયન ડોલરની કિંમતની વિજ્ઞાન અને એન્જિનિયરિંગની પ્રયોગશાળાઓ છે. અવકાશયાત્રીઓનો સ્ટાફ નવેમ્બર 2000 થી અહીં હાજર છે. ISS પર હાજર ક્રૂ અમેરિકા અને રશિયાથી આવ્યા છે, પરંતુ અહીં જાપાન અને યુરોપની સ્પેસ એજન્સીઓ પણ પોતાના મુસાફરોને મોકલતી રહે છે.