ડીસા શહેરના નવા બસ સ્ટેશનમાં ઠેર-ઠેર ગંદકી જોવા મળી રહી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, એસટી વિભાગના અધિકારીઓની બેદરકારીના કારણે કરોડો રૂપિયાના ખર્ચે બનેલું બસ સ્ટેશન આજે યોગ્ય જાળવણી અને સાફ સફાઈના અભાવે નર્કાગારમાં ફેરવાયું છે. ઠેર-ઠેર પાણી અને ગંદકીના કારણે રોગચાળાની સ્થિતિ ઉભી થઈ છે.
બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં આધુનિક સુવિધાઓ ધરાવતું બસ સ્ટેશન બનાવવામાં આવ્યું હતું. પરંતુ આજે આ બસ સ્ટેશન ઠેર-ઠેર ગંદકીથી ખદબદી રહ્યું છે. બસ સ્ટેશનને અડીને આવેલ દીવાલો આગળ ગંદા પાણીના ભરાવાના લીધે ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે.
આ અંગે સ્થાનિક મુસાફરના જણાવ્યા અનુસાર, એસટી નિગમના સતાધીશો અને અધિકારીઓની બેદરકારીઓ અને યોગ જાળવણીના અભાવે આજે કરોડો રૂપિયાના ખર્ચે બનેલું બસ સ્ટેશન ઠેરઠેર ગંદકીથી ખદબદી રહ્યું છે. બસ સ્ટેશન અંદર અને પ્લેટફોર્મ ઉપર તો સફાઈ કરવામાં આવતી હોવાનું જણાય છે પરંતુ બસ સ્ટેશનને અડીને આવેલ દીવાલો આગળ ગંદા પાણીના ભરાવાના લીધે ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે અને આ ગંદકીની આજુબાજુમાં જ ટી સ્ટોલ અને નાસ્તાની દુકાનો ધમધમી રહી છે. જેથી રોગચાળાની ભિતી સેવાઈ રહી છે.
આ ઉપરાંત રાત-દિવસ બસમાં ફરજ બજાવીને આવેલ ડ્રાઈવર અને કલીનરો ને આરામ અને ફ્રેશ થવા માટેની પણ યોગ્ય વ્યવસ્થા નથી. ડીસા શહેરના નવા બસ સ્ટેશનમાં છેલ્લાં ઘણા સમયથી પાણીનો બોરવેલ ખરાબ અથવા કોઈ કારણોસર બંધ પડેલો છે. જેથી બસ સ્ટેશનમાં પાણી બસમાં પાણીની સિન્ટેક્સની ટાંકીઓ મુકીને લાવવામાં આવી રહ્યું છે. પાણીની સમસ્યાથી કર્મચારીઓ ઉપરાંત મુસાફરો હાલકી ભોગવી રહ્યાં છે.
રિપોર્ટઃ અનિલ રાણા, ડીસા