તા-04-08-2022 ગુજરાત વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણીમાં ૧૨૫ બેઠકના વિજય સંકલ્પ સાથે રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નિરીક્ષક અને છત્તીસગઢના કેબીનેટ મંત્રી ટી.એસ.સિંહ દેવ અને પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી મિલીન્દ દેવરા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠન પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ આરોગ્ય મંત્રી ડૉ. રઘુ શર્મા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સુખરામ રાઠવાએ અખિલ ભારતીય કોંગ્રેસ દ્વારા નિમાયેલ તમામ લોકસભા નિરીક્ષકો સાથે સંવાદ બેઠક યોજી હતી.
લોકસભા નિરીક્ષકોની બેઠકને સંબોધન કરતાં છત્તીસગઢના કેબીનેટ મંત્રી ટી.એસ. સિંહ દેવે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ સરકાર સારૂ કામ કરતી હશે તેવુ હું માનતો હતો. પરંતુ પૂજ્ય મહાત્મા ગાંધી – સરદાર સાહેબના ગુજરાતમાં બેફામ દારૂ વેચાય, ૧ લાખ ૭૫ હજાર કરોડનું ડ્રગ્સ પકડાય, ૧૪થી વધુ વખત પેપર ફુટે, એકજ જીલ્લામાં ૨૫૦૦૦ થી વધુ ગાયોનું મૃત્યુ થાય વગેરે સહિતની વિગતોથી ભાજપ મોડલની નિષ્ફળતા ઉજાગર થઈ છે. ગુજરાતમાં કોંગ્રેસ જીવંત, મજબુત અને બળવાન છે. આવનારા દિવસોમાં કેવુ ગુજરાત બનાવવા માંગીએ છીએ એ વાતને લઈને કોંગ્રેસ પ્રજાની વચ્ચે જઈશું. અમારો ચૂંટણી ઢંઢેરો નવા ગુજરાતનો આધાર હશે.
રાષ્ટ્રીય સમસ્યા મોંઘવારી, બેરોજગારી સહિત ગુજરાતમાં ડ્રગ્સ – દારૂના મોટા પાયે વેપલા સહિતની નિષ્ફળતાને ઉજાગર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠન પ્રભારી અને સફળ પૂર્વ આરોગ્ય મંત્રી ડૉ. રઘુ શર્માએ નિરીક્ષકોની બેઠકને સંબોધન કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ ૧૨૫થી વધુ બેઠકો સાથે આગામી વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણી જીતશે. ગુજરાતમાં શહેરી વિસ્તારો માટે વિશેષ પ્લાનિંગ કરવામાં આવશે. કોંગ્રેસ પક્ષ દ્વારા જનજનને સાંકળીને ૨૦૦૦થી વધુ બેઠકો યોજી ચૂંટણી ઢંઢેરો – સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવશે. ગુજરાતમાં ચારેય ઝોનમાં કોંગ્રેસની જનસરકાર લાવવામાં આવશે તેવો નિર્ધાર કર્યો હતો. કોંગ્રેસ પક્ષ દ્વારા દરેક વિધાનસભાની સમસ્યાઓને સાંકળીને, જનતાના મુદ્દાને સાંકળીને, વિધાનસભા દીઠ ચૂંટણી ઢંઢેરા જાહેર કરવામાં આવશે. ગુજરાતમાં હરીફાઈ માત્રને માત્ર ભાજપ – કોંગ્રેસ વચ્ચે છે. બાકીની તમામ પાર્ટીઓ ભાજપની બીટીમ છે.
વિધાનસભા ૨૦૨૨ ચૂંટણીને અનુલક્ષીને આયોજીત વિશેષ બેઠકને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ગુજરાતમાં વારંવાર લઠ્ઠાકાંડ થાય, ગાયોની હત્યા થાય, મોંઘવારી, બેરોજગારી સહિતની સમસ્યાઓ અંગે કોંગ્રેસ આક્રમક કાર્યક્રમ યોજશે. નોર્થ, સેન્ટ્રલ, સૌરાષ્ટ્ર અને સાઉથ એમ ચારેય ઝોનમાં ‘મારુ બુથ મારુ ગૌરવ’ કાર્યક્રમ અંતર્ગત બુથ મેનેજમેન્ટનું માઈક્રોપ્લાનિંગ કરવામાં આવશે. ગુજરાતના ચારેય ઝોનમાં મોંઘવારી, બેરોજગારી, દારૂ-ડ્રગ્સનો ખુલ્લેઆમ વેપાર, મોંઘુ શિક્ષણ, કથળતુ આરોગ્યતંત્ર અને કાયદો વ્યવસ્થા સહિતના મુદ્દે યાત્રા શરૂ કરવામાં આવશે. ૨૬ રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા નિમાયેલ લોકસભા નિરીક્ષકો, તમામ જિલ્લા પ્રમુખો, પ્રદેશ લોકસભા નિરીક્ષકો, વિધાનસભા પ્રદેશ નિરીક્ષકો અને સ્થાનિક ધારાસભ્યો સાથે બુથ મેનેજમેન્ટ, મેનીફેસ્ટ્રો, કેમ્પેઈન, આંદોલનાત્મક કાર્યક્રમો સહિતના મુદ્દે ઝોન દીઠ વિશેષ મેરથોન બેઠક યોજાઈ હતી. નિમાયેલા સિનિયર નિરીક્ષકો આવતીકાલથી પોતાના વિસ્તારમાં જશે. ૧૦ થી ૧૫ દિવસ બાદ ફરી રીવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવશે. ગાંધી સરદારના ગુજરાતમાં ૧૨૫ બેઠકો સાથે જનજનની સરકાર બનાવવામાં આવશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન ખાતે રાષ્ટ્રીય નામના મેળવનાર અને અનેક એવોર્ડ વિજેતા, ત્રીસ વર્ષથી વધુ વિદેશમાં રહેનાર બેરીસ્ટર એવા ભારૂલત્તા કાંબલે અને સુરતના નામાંકિત ન્યુરો સર્જન એવા ડૉ. સુબોધ કાંબલે આજરોજ કોંગ્રેસ પક્ષની વિચારધારાથી પ્રેરાઈને પક્ષમાં જોડાયા હતા.
વિધાનસભા ૨૦૨૨ ચૂંટણીને અનુલક્ષીને આયોજીત વિશેષ બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી, અર્જુનભાઈ મોઢવાડીયા, સિધ્ધાર્થ પટેલ, અમિત ચાવડા, પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી, વિરોધપક્ષના ઉપનેતા શૈલેષ પરમાર, દંડક સી.જે. ચાવડા, એ.આઈ.સી.સી.ના મંત્રી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સહપ્રભારી બી.એમ. સંદીપ, ઓમપ્રકાશ ઓઝા, ઉષા નાયડુજી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ હિંમતસિંહ પટેલ, જીગ્નેશ મેવાણી, લલીતભાઈ કગથરા, ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, રૂત્વિજ મકવાણા, એ.આઈ.સી.સી.ના પૂર્વ મહામંત્રી મધુસુદન મિસ્ત્રી, દિપક બાબરીયા, ડૉ. પ્રભાબેન તાવીયાડ, સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈ, આઈ.સી.સી.ના પ્રવક્તા રોહન ગુપ્તા, એન.એસ.યુ.આઈ., યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, સેવાદળના અધ્યક્ષો સહિત સિનિયર આગેવાનો બેઠકમાં હાજર રહ્યાં હતાં.