રાજકોટ જિલ્લાના ધોરાજીનો વોર્ડ નંબર 3ના લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોવાથી આજરોજ આમ આદમી પાર્ટીના આગેવાનો અને સ્થાનિકો દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.
ધોરાજી નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણમાં છેલ્લા ઘણા વર્ષોથી સાફ-સફાઈ, સ્ટ્રીટ લાઈટ, પીવાના પાણીનો પ્રશ્ન, ભૂગર્ભ ગટર યોજના જેવી અનેક પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ નથી અને વોર્ડ નંબર ત્રણમાં રહેતા લોકોને આવી પ્રાથમિક સુવિધાઓ ન મળતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે, આ મામલે અનેક વખત રજૂઆત કરવા છતાં આજદિન સુધી કોઈ નક્કર પરિણામ ન આવતા ધોરાજી આમ આદમી પાર્ટીના નેજા હેઠળ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
આમ આદમી પાર્ટીના આગેવાનો તથા સ્થાનિક લોકોએ એકઠા થઈને વોર્ડ નંબર ત્રણમાં ઘણા વર્ષોથી સાફ-સફાઈ, સ્ટ્રીટ લાઈટ સહિત અન્ય પ્રાથમિક સુવિધાઓ ન મળતા તાત્કાલિક ધોરણે નગરપાલિકા દ્વારા પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી લેખિત રજૂઆત કરી હતી.
જો આગામી દિવસોમાં વોર્ડ નંબર 3માં પ્રાથમિક સુવિધાઓ નહીં પુરી કરવામા આવે તો જલદ આંદોલન કરવામા આવશે તેવી ધોરાજી આમ આદમી પાર્ટી દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.