હવે 50 વર્ષથી વધુ ઉંમરના ભક્તો સ્વાસ્થ્ય તપાસ બાદ જ કેદારનાથના દર્શન કરી શકશે. ધામમાં હાર્ટ એટેકના કારણે થયેલા મૃત્યુંને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે આ પગલું ભર્યું છે.
મહત્વનું છે કે, તેના માટે વહીવટી તંત્ર દ્વારા સોનપ્રયાગમાં આવા ભક્તોની આરોગ્ય તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે ચાર ભક્તો સ્વાસ્થ્ય પરીક્ષણમાં અયોગ્ય મળી આવ્યા હતા જેમને કેદારનાથ જવાની મંજૂરી આપવામાં આવી ન હતી.
કેદારનાથ ધામમાં અત્યાર સુધીમાં 10 શ્રદ્ધાળુઓના કાર્ડિયાક અરેસ્ટને કારણે મૃત્યું થયા છે. આને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે 50 વર્ષથી વધુ ઉંમરના ભક્તોની તપાસ માટે સોનપ્રયાગમાં ચાર ટીમો તૈનાત કરી છે.
આ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ મયુર દીક્ષિતે જણાવ્યું કે, 50 વર્ષથી વધુ ઉંમરના ભક્તોની આરોગ્યની ફરજિયાત તપાસ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, હોલ્ટ પર શ્રદ્ધાળુઓને સ્વાસ્થ્ય સંબંધિત જરૂરી માહિતી પણ આપવામાં આવી રહી છે.
આ સાથે તેમણે વધુમાં જણાવ્યું કે, ઘણાં શ્રદ્ધાળુઓ ગરમ વસ્ત્રો વિના કેદારનાથ ધામ પહોંચી રહ્યા છે અને ત્યાં હાયપોથર્મિયાનો શિકાર બની રહ્યા છે. તેનું મુખ્ય કારણ એ છે કે ભક્તોને કેદારપુરીના હવામાન વિશે સાચી માહિતી નથી. આ સિવાય બીમાર વૃદ્ધ લોકો પણ કેદારનાથ પહોંચી રહ્યા છે. જેમની સ્વાસ્થ્ય તપાસ જરૂરી છે.