બનાસકાંઠા: બનાસકાંઠાના વેપારી મથક ડીસામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. તેથી છાશવારે બનતી ગુનાહિત ઘટનાઓના પગલે ભય અનુભવી રહ્યા છે. તેમાં પણ ચોરી અને લૂંટની ઘટનાઓ સરેઆમ બની રહી છે.
ત્યારે વધુ એક લૂંટની ઘટના ડીસામાં સામે આવી છે. જ્યાં ધોળા દિવસે એક દંપતિ લૂંટાયું છે. ધોળા દિવસે એક શખ્સે દંપતિને માર મારી 10 હજારની લૂંટ ચલાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી.
મળતી માહિતી મુજબ, માણેકપુરા ખાતે રહેતા અને ખેતી કામ કરતા ઠાકોર ચતરાજી બચુજી ઠાકોર અને તેમના પત્ની પાર્વતીબેન આગથળા ખાતે તેમના સસરાને ત્યાં જવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન ડીસા બજાર વિસ્તારમાં એક શખ્સ ત્યાં આવી પહોંચ્યો હતો અને દંપતિ પાસે 20 રૂપિયા માંગ્યા હતા.
દંપતિએ આ શખ્સને 20 રૂપિયા આપ્યા તે દરમિયાન દંપતિ પાસે વધુ રકમ પણ હતી. બાદમાં આ દંપતિ રિક્ષા મારફતે ગાયત્રી મંદિર તરફ જતા રસ્તામાં પેલો શખ્સ ફરી ત્યાં આવી પહોંચ્યો અને રિક્ષા રોકાવી હતી અને દંપતિને માર મારી 10 હજારની રોકડની લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો.
આ બનાવના પગલે દંપતી ગભરાઇ ગયો હતો. આ અંગે ડીસા ઉત્તર પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.