સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનનું નિધન થયું છે. UAEની સત્તાવાર સમાચાર એજન્સી WAM એ આ વાતની પુષ્ટિ કરી છે. રાષ્ટ્રપતિ ઝાયેદ અલ નાહયાન 73 વર્ષના હતા અને ઘણા દિવસોથી બીમાર હતા. ઝાયેદ અલ નાહયાનના નિધન પર સરકારે 40 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. આ ઉપરાંત દેશના તમામ ખાનગી અને સરકારી ક્ષેત્રોમાં ત્રણ દિવસ રજા રહેશે. દુબઈ મીડિયા ઓફિસ દ્વારા રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે.
શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહ્યાને 3 નવેમ્બર 2004થી સંયુક્ત આરબ અમીરાતના પ્રમુખ અને અબુ ધાબીના શાસક તરીકે સેવા આપી હતી. તેમને તેમના પિતા સ્વર્ગસ્થ હિઝ હાઈનેસ શેખ ઝાયેદ બિન સુલતાન અલ નાહયાનના અનુગામી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. શેખ ઝાયેદ બિન સુલતાન 1971 માં યુએઈના યુનિયન પછી નવેમ્બર 2, 2004 સુધી પ્રથમ પ્રમુખ તરીકે સેવા આપી હતી. 2 નવેમ્બર 2004ના રોજ તેમનું અવસાન થયું.
શેખ ખલીફાનો જન્મ 1948માં થયો હતો
1948 માં જન્મેલા શેખ ખલીફા યુએઈના બીજા રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના અમીરાતના 16મા શાસક હતા. તે શેખ ઝાયેદના મોટા પુત્ર હતા. સંયુક્ત આરબ અમીરાતના પ્રમુખ બન્યા ત્યારથી શેખ ખલીફાએ સંઘીય સરકાર અને અબુ ધાબીની સરકાર બંનેના મોટા પુનઃરચનાનું અધ્યક્ષપદ સંભાળ્યું છે. તેમના શાસનકાળ દરમિયાન સંયુક્ત આરબ અમીરાતનો ઝડપથી વિકાસ થયો. આનાથી ત્યાંના લોકોનું જીવન ધોરણ ઊંચું આવ્યું.