પાકિસ્તાન દ્વારા પોતાની જેલમાં બંધ 20 ભારતીય માછીમારોને મુક્ત કરાતા તમામ માછીમારો વાઘા બોર્ડરથી ભારત પરત ફર્યા હતા. જેઓ આજે માદરે વતન વેરાવળ આવી પહોંચ્યા હતા. ચાર-પાંચ વર્ષ સુધી પરિવારથી દૂર રહેલા માછીમારોને જોતા જ તેમના પરિવારજનો તેઓને ભેંટી પડ્યા હતા અને ચોધાર આંસુએ રડી પડ્યા હતા. જેના કારણે સ્થળ પર લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા અને સૌકોઈની આંખો ભીની થઈ હતી.
પાકિસ્તાનની જેલમાં છેલ્લા પાંચ વર્ષથી બંધ ભારતના 642 પૈકી 20 જેટલા માછીમારોને મુક્ત કરવાનો નિર્ણય પાકિસ્તાન સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. મુક્ત થયેલા માછીમારો વાઘા બોર્ડરથી ભારતીય અધિકારીઓને પાકિસ્તાની સત્તાવાળાઓ દ્વારા સોંપવામાં આવ્યા હતા. જેલમાંથી મુક્ત થયેલા તમામ 20 માછીમારો ફિશરીઝ વિભાગના અધિકારી અને પોલીસને સજ્જડ સુરક્ષા વચ્ચે આજે વેરાવળ બંદરે આવી પહોંચ્યા હતા.
અહીં ફીશરીઝ કચેરીએ જરૂરી કાર્યવાહી કર્યા બાદ મુકત 20 માછીમારોને તેમના પરિવારજનોને સુપ્રત કરવામાં આવ્યા હતા. આ સમયે વર્ષો સુધી જેલમાં યાતના વેઠી પરત આવેલા માછીમારોનું તેમના પરિવારજનો સાથે મિલન થતા અશ્રુનો દરિયો વહેતો થવાની સાથે લાગણી સભર ર્દશ્યો સર્જાયા હતા.
માછીમારોએ લાંબો સમય જેલમાં રહ્યા બાદ માદરે વતન પરત ફર્યાનો આનંદ વ્યકત કર્યો હતો. તો સાથે પાકિસ્તાની જેલમાં બંધ પોતાના સાથીઓને વહેલીતકે મુક્ત કરાવવાની માંગ પણ કરી હતી.