સાંબરકાંઠા જિલ્લામાંથી એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી હતી. હિંમતનગરના ગાંભોઈમાં એક ખેતરમાંથી જમીનમાં દાટેલી નવજાત બાળકી મળી આવી હતી. તે બાળકીના નિર્દયી માતા-પિતાની કડી તાલુકામાં આવેલ નંદાસણની નજીક ડાંગરવા ગામથી ધરપકડ કરવામાં આવી છે. માતાએ સ્વિકાર્યું છે કે, પરિવારની આર્થિક સ્થિતિ નાજૂક હોવાને કારણે તેઓ બીજા બાળકનું ભરણપોષણ કરી શકે તેમ ન હતા. તેથી તેણે જ બાળકીને નજીકના ખેતરમાં દાટી દીધી હતી.
ખેતરમાંથી નવજાત જીવતી બાળકી મળી આવી
ગતરોજ હિંમતનગર તાલુકાના ગાંભોઈમાં ખેતરમાં ખેત મજૂરો કામ કરી રહ્યા હતા, તે દરમિયાન ખેત મજૂર મહિલાને માટીમાં કંઈક હલનચલન જોતા ગભરાઈને બૂમા બૂમ કરી મૂકી હતી. જે બાદ ખેતરના માલિકે ત્યાં જઇને માટી ધીરે ધીરે ખોદી હતી. જ્યાંથી નવજાત જીવતી બાળકી મળી આવી હતી. આ નવજાતને બહાર કાઢીને 108ની ટીમને બોલાવવામાં આવી હતી.
લોકોએ તેના માવતર સામે વરસાવ્યો હતો ફિટકાર
બાળકીને શ્વાસ લેવામાં પણ તકલીફ થઇ રહી હતી તેથી તેને કુત્રિમ શ્વાસ પણ આપવામાં આવ્યો હતો. ઘટનાને પ્રત્યક્ષ જોનારા લોકોએ તેના માવતર સામે ફિટકાર વરસાવ્યો હતો. તો આ અંગે ગાંભોઇ પોલીસને જાણ કરાતાં પોલીસ ઘટવાસ્થળે દોડી ગઈ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.
આ નવજાત શિશુને અહીં કોણ દાટીને જતું રહ્યું અને તેની પાછળ શું કારણ જવાબદાર છે તેને લઈને અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યાં હતા. તો નવજાત બાળકીને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સાથે જ પોલીસે બાળકીનાં માતા-પિતા શોધખોળ હાથ ધરી હતી.