દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધઘટ થઈ રહી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 13,313 નવા કેસ નોંધાયા છે. તો આ દરમિયાન 38 દર્દીઓના મૃત્યુ થયા છે. હાલ દેશમાં 83,990 સક્રિય કેસ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ગુરુવારે જારી કરવામાં આવેલા તાજા આંકડા અનુસાર, દેશમાં દૈનિક સંક્રમણ દર હાલમાં 2.03 ટકા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને આજે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક બોલાવી છે.
બુધવારના આંકડાની સરખામણીએ તો દૈનિક સંક્રમણ દર 3.94 ટકાથી ઘટીને 2.03 પર આવી ગયો છે. જોકે ગઈકાલની તુલનામાં આજે નવા કેસમાં વધારો થયો છે. બુધવારે 12,249 નવા કોરોના કેસ નોંધાયા હતા, જ્યારે મંગળવારે 9,923 કેસ સામે આવ્યા હતા. મૃત્યુઆંક પણ બુધવારની તુલનામાં વધી ગયો છે. બુધવારે 13 મૃત્યુ થયા હતા, તો ગુરુવારે સવારે અપડેટ આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 38 મૃત્યુ થયા છે.
#COVID19 | India reports 13,313 fresh cases, 10,972 recoveries and 38 deaths in the last 24 hours.
AdvertisementActive cases 83,990
Daily positivity rate 2.03% pic.twitter.com/u8Q2WhlI3w— ANI (@ANI) June 23, 2022
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 10 હજાર 972 લોકો કોરોનાથી સાજા પણ થયા છે. કોવિડ રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં રસીના 196 કરોડ (1,96,62,11,973) થી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 14 લાખ 91 હજાર 941 ડોઝ લગાવવામાં આવ્યા હતા. ICMRએ જણાવ્યું છે કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં 6 લાખ 56 હજાર 410 કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. દેશમાં વર્તમાન ચેપ દર 2.03 ટકા છે.
10 રાજ્યોમાં 1000થી વધુ સક્રિય કેસ
દેશમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી કોરોના વાયરસના સંક્રમણમાં વધારો જોવા મળી રહ્યો છે. 10 રાજ્યો મહારાષ્ટ્ર, કેરળ, દિલ્હી, કર્ણાટક, તમિલનાડુ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને ગુજરાતમાં 1,000થી વધુ સક્રિય કેસ છે.
43 જિલ્લાઓમાં દૈનિક સંક્રમણ દર 10%થી વધુ
કેરળના 11, મિઝોરમમાં છ અને મહારાષ્ટ્રના પાંચ સહિત ભારતના 43 જિલ્લાઓમાં સાપ્તાહિક કોવિડ સંક્રમણ દર 10 ટકાથી વધુ છે. સૂત્રોએ જણાવ્યું કે, 42 જિલ્લાઓમાં જેમાં રાજસ્થાનના આઠ, દિલ્હીમાં પાંચ અને તમિલનાડુના ચાર જિલ્લાઓનો સમાવેશ થાય છે, સાપ્તાહિક સંક્રમણ દર 5થી 10 ટકાની વચ્ચે છે.