કોરોના મહામારી સામે અમોધ શસ્ત્ર વેક્સિન છે. કોરોનાની બીજી અને હાલ ચાલી રહેલ ત્રીજી લહેરમાં પણ વેક્સિને મહત્વની ભૂમિકા ભજવી છે. ત્યારે બે વેક્સિન ઉત્પાદકો સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) અને ભારત બાયોટેકએ હવે ભારતના ડ્રગ રેગ્યુલેટર ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) પાસેથી તેમની વેક્સિન માટે રેગ્યુલર માર્કેટની મંજૂરી માગી છે.
આ કંપનીઓ હવે તેમની વેક્સિનને સીધી માર્કેટમાં લાવીને સામાન્ય લોકોનાં હાથમાં લાવવા ઈચ્છે છે. ખુલ્લા માર્કેટમાં આ વેક્સિનની કિંમત અંગે હજી પણ આશંકા છે. આ દરમિયાન સરકારી સૂત્રોએ વેક્સિનની કિંમતો વિશે ખુલાસો કર્યો છે.
કેટલી હશે વેક્સિનની કિંમત?
સત્તાવાર સૂત્રોના પ્રમાણે, Covishield અને Covaxinને માર્કેટની મંજૂરી મળ્યા બાદ તેની કિંમત પ્રતિ ડોઝ 275 રૂપિયા નક્કી કરવામાં આવી શકે છે. જોકે વેક્સિનના ડોઝ પર 150 રૂપિયા વધારાનો સર્વિસ ચાર્જ પણ વસૂલવામાં આવશે. એટલે કે વેક્સિનના ડોઝની કિંમત ઓપન માર્કેટમાં 425 રૂપિયાની આસપાસ રહેવાની શક્યતા છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે નેશનલ ડ્રગ રેગ્યુલેટરી ઓથોરિટી (NPPA)ને વેક્સિનની કિંમત નક્કી કરવા માટે સૂચના આપવામાં આવી છે. જેથી તે સામાન્ય લોકોને પોસાય. બન્ને વેક્સિન હાલમાં દેશમાં ઈમરજન્સી ઉપયોગ માટે માન્ય છે. એટલે કે વેક્સિન માત્ર હોસ્પિટલો અને નિયુક્ત વેક્સિનેશન કેન્દ્રો પર જ આપવામાં આવે છે.
સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયાના ડિરેક્ટરપ્રકાશ કુમાર સિંહે 25 ઑક્ટોબરે ડ્રગ કન્ટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયાને અરજી સબમિટ કરી હતી. જેમાં કોવિશિલ્ડ વેક્સિનને માર્કેટમાં લોન્ચ કરવા માટે મંજૂરી માંગવામાં આવી હતી. થોડા અઠવાડિયા પહેલા, ભારત બાયોટેકના પૂર્ણ કાલિક ડિરેક્ટર વી. ક્રિષ્ના મોહને પણ કોવેક્સિન માટે રેગ્યુલર મંજૂરી મેળવવા ક્લિનિકલ ડેટા સાથે સંપૂર્ણ ફોર્મ્યુલેશન અને નિયંત્રણ વિગતો સબમિટ કરી હતી.