વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં જીવલેણ કોરોના વાયરસના વધતા જતા જોખમ અંગે આજે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. દેશમાં કોરોના વાયરસની ગતિ બેકાબૂ બની ગઈ છે અને નવી લહેર સૌથી મોટો પડકાર બનીને સામે આવી છે. દેશમાં પ્રથમ વખત 24 કલાકમાં એક લાખથી વધુ કોરોના વાયરસના કેસ નોંધાયા છે. આજે સાંજે 6.30 વાગ્યે બેઠક થશે.
પીએમ મોદીએ બે દિવસ પહેલા પણ કરી હતી કોરોના રિવ્યૂ મીટિંગ
પીએમ મોદી કોરોનાની હાલની પરિસ્થિતિ વિશે વિડીયો કોન્ફરન્સ દ્વારા તમામ રાજ્યોના સીએમ અને ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરશે. બે દિવસ પહેલા જ પીએમ મોદીએ એક કોરોના સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં પીએમ મોદીએ અધિકારીઓને કોરોના રોકવા કડક પગલા ભરવાની સૂચના આપી હતી.
આ સિવાય પીએમ મોદી રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે રસીકરણ અંગે પણ ચર્ચા કરશે. શુક્રવારે કેબિનેટ સચિવ, રાજીવ ગૌબા સાથે તાજેતરમાં મળેલી બેઠકમાં 11 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં રોજિંદા વધતા જતા મામલા અને દૈનિક મૃત્યુના કારણે મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, કેરળ, છત્તીસગઢ, ચંદીગઢ, ગુજરાત, મધ્યપ્રદેશ, તમિળનાડુ, દિલ્હી અને હરિયાણાને ગંભીર ચિંતાવાળા રાજ્યો તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા હતા.