રાજ્યમાં કોરોના મહામારીની અસર સરકારી ભરતી પ્રક્રિયાઓ પર પણ પડી રહી છે. એપ્રિલ મહિનામાં યોજાનારી PSIની શારીરિક કસોટી વર્તમાન કોરોના પરિસ્થિતિને લઈને હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે. એક જાણકારી મુજબ અંદાજે 4 લાખ ઉમેદવારો આ પરીક્ષા આપવાના હતા.
આ વાતની જાણકારી OJASની વેબસાઈટ પર આપવામાં આવી છે અને હવે પછીનો કાર્યક્રમ પણ વેબસાઈટ પર જ જાહેર કરવામાં આવશે. PSI કેડરની ભરતી બાબતે સૂચના માટે ભરતી બોર્ડની વેબસાઈટ https://psirbgujarat2021.in જોતા રહેવાની સલાહ આપવામાં આવી છે.
નોંધનીય છે કે ગુજરાત પોલીસમાં કુલ 1382 પદ માટે ભરતી બહાર પાડવામાં આવી હતી. જેમાં બિન હથિયારી પોલીસ સબ ઈન્સપેક્ટર (પુરષ/મહિલા), હથિયારી પોલીસ સબ ઈન્સપેક્ટર (પુરૂષ/મહિલા), ઈન્ટલિજન્સ ઓફિસર, બિન હથિયારી મદદનીશ સબ ઈન્સપેક્ટર (પુરૂષ/મહિલા).
આ સિવાય માહિતી અને પ્રસારણ વિભાગ હેઠળ વર્ગ-1,2 અને 3ની ભરતી માટે 10 એપ્રિલના રોજ પરીક્ષા યોજાવાની છે. જેમાં 8 હજાર જેટલા ઉમેદવારો પરીક્ષા આપવાના છે. નાયબ માહિતી નિયામક વર્ગ-1, સહાયક માહિતી નિયામક વર્ગ-2ની પ્રિલિમનરી પરીક્ષા 10 એપ્રિલે સવારે 10 વાગ્યે. જ્યારે સિનિયર સબ એડિટર અને માહિતી મદદનીશ વર્ગ-3ની પરીક્ષા બપોરે 3 વાગ્યે લેવામાં આવશે.
નોંધનીય છે કે કોરોનાની પરિસ્થિતિને જોતા GPSC દ્વારા યોજવામાં આવનારી 10 જેટલી પરીક્ષાઓની તારીખોમાં બદલાવ કરવામાં આવ્યો છે.