નવા વર્ષની શરૂઆતથી જ ગુજરાતમાં કોરોના સંક્રમણ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યું છે. ઉત્તરાયણના તહેવારના બે દિવસ માટે કોરોનાના કેસમાં થોડી રાહત મળી હતી. જોકે તહેવાર બાદ ફરી કોરોનાના કેસ 10 હજારને પાર પહોંચી ચૂક્યા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 10,150 કેસ નોંધાયા છે અને 6,096 દર્દીઓ સ્વસ્થ થયા છે. નવા નોંધાયેલા કેસમાં સૌથી વધુ અમદાવાદ શહેર અને જિલ્લામાં 3,115 કેસ નોંધાયા છે. રાજ્યમાં સતત વધતા સંક્રમણ અને ડિસ્ચાર્જ થતા દર્દીઓમાં મોટા ફેરફારને પગલે રિકવરી રેટ પણ વધ્યો છે. રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 92.04 ટકાએ પહોંચ્યો છે.
નોંધનીય છે કે છેલ્લા 24 કલાકમાં 8 દર્દીઓનાં મૃત્યું થયા છે. ત્રીજી લહેરમાં પ્રથમવાર રાજ્યમાં 8 દર્દીઓનાં મૃત્યું થયા છે. ગતરોજ 7 દર્દી મૃત્યું પામ્યા હતા. આમ બે દિવસમાં જ 15 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,159 પર પહોંચ્યો છે.
ગુજરાતમાં અત્યારસુધી 9 લાખ 26 હજાર 240ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તેની સામે અત્યાર સુધીમાં 8 લાખ 52 હજાર 471 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 63 હજાર 610 એક્ટિવ કેસ છે, જેમાંથી 83 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 63 હજાર 527 દર્દીની હાલત સ્થિર છે.