અમદાવાદ: દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ગુજરાત રાજ્ય પણ તેમાંથી બાકાત નથી. ગુજરાતમાં સૌથી વધુ સંક્રમણ અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યું છે.
કોરોનાના વધતા કેસ પર રોક લગાવવા માટે રાજ્ય સરકારે કેટલાક પ્રતિબંધ મુક્યા છે. જોકે તેમ છતાં ઉત્તરાયણના પર્વ પર અમદાવાદ સહિત અનેક જગ્યાએ કોરોનાની ગાઈડલાઈનના રીતસરના ધજાગરા ઉડ્યા હતા.
અમદાવાદમાં ઉત્તરાયણના પર્વ પર ફરજ બજાવી રહેલા પોલીસો પણ હવે કોરોનાની ઝપેટમાં આવ્યા છે. શહેર પોલીસ વિભાગમાં કોરોના વિસ્ફોટ જોવા મળ્યો છે. એક જ દિવસમાં 85 પોલીસકર્મી કોરોના સંક્રમિત થતાં ખળભળાટ મચ્યો છે. આ સાથે પોલીસકર્મીઓના સંક્રમિતનો આંકડો 351 સુધી પહોંચ્યો છે. જેમાં એસીપી, પીઆઇ સહિત અનેક લોકો કોરોના સંક્રમિત થયા છે. મોટાભાગના લોકો હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, કોરોનાકાળમાં પોલીસકર્મી અને અધિકારીઓ ફ્રન્ટ લાઈન વોરિયર તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે જે તે સમયની કોરોના ની લહેરમાં અનેક પોલીસકર્મીઓ કે અધિકારીઓએ જીવ પણ ગુમાવ્યો અને શહીદ થયા.
ત્યારે હાલ કોરોનાની ત્રીજી લહેરમાં ફરી એકવાર પોલીસકર્મીઓ અને અધિકારીઓ ઝપેટમાં આવ્યા છે. જેમાં 2 એસીપી, 3 પીઆઇ અને 12 થી વધુ પીએસઆઇ સહિત 351 પોલીસકર્મી અને અધિકારીઓ કોરોના સંક્રમિત થયા છે. જેમાંથી માત્ર બે લોકો માત્ર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.