મહારાષ્ટ્રમાં એકવાર ફરી કોરોનાએ ટેન્શન વધાર્યું છે. મામલાની ગંભીરતાને સમજીને રાજ્ય સરકારે રાજ્યના લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી છે. રાજ્ય સરકાર દ્વારા જિલ્લા અધિકારીઓને લખવામાં આવેલા પત્રમાં રાજ્યમાં કોવિડ કેસની વધતી સંખ્યાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
અધિક મુખ્ય સચિવ પ્રદીપ વ્યાસે તમામ જિલ્લા અધિકારીઓને લખેલા પત્રમાં જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવવા સહિતના અનેક આદેશો આપ્યા છે. ડૉ. વ્યાસે જણાવ્યું છે કે, ટ્રેન, બસ, સિનેમા, ઓડિટોરિયમ, ઓફિસ, હોસ્પિટલ, કોલેજ, શાળા જેવા બંધ જાહેર સ્થળોએ માસ્ક ફરજિયાત છે.
મીડિયા સાથેની વાતચીતમાં ડૉ. વ્યાસે કહ્યું કે, કેસોની વધતી સંખ્યાને જોતા લોકોને માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું કે, છેલ્લા કેટલાક મહિનામાં રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યામાં સતત ઘટાડો જોયા બાદ હવે ફરી એકવાર નવા કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. દરરોજ આવતા નવા કેસની સંખ્યા 1000ને વટાવી ગઈ છે.
ડૉ. વ્યાસે કહ્યું કે, હાલમાં મુંબઈ મહાનગર ક્ષેત્ર અને ઠાણેમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. પોઝિટિવિટી રેટ વધ્યા બાદ અમે અન્ય જિલ્લાઓમાં કેસોમાં વધારાની અપેક્ષા રાખી શકીએ છીએ. ગત સપ્તાહની સરખામણીએ નવ જિલ્લાઓમાં નવા કેસની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 1134 નવા કોરોનાના કેસ નોંધાયા
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,134 નવા કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં દોઢ મહિનામાં સક્રિય કેસની સંખ્યામાં સાત ગણો વધારો થયો છે. સીએમ ઉદ્ધવ ઠાકરેએ 2 જૂને યોજાયેલી રાજ્ય કોવિડ ટાસ્ક ફોર્સની બેઠકમાં પણ કહ્યું હતું કે, જો લોકોએ પ્રતિબંધોથી બચવું હોય તો માસ્ક પહેરવાનું શરૂ કરી દેવું જોઈએ. આ દરમિયાન તેમણે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા, રસીકરણ વધારવા વિશે પણ વાત કરી હતી.
દેશમાં કોરોનાની સ્થિતિ
India COVID-19 Cases: ભારતમાં કોરોના ફરી એકવાર વેગ પકડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસોમાં તેજી જોવા મળી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના કુલ 3,962 નવા કેસ નોંધાયા છે. તો કોરોનાને કારણે 26 લોકોના મૃત્યુ થયા છે. આ પછી સક્રિય કેસોની સંખ્યામાં પણ મોટો ઉછાળો આવ્યો છે, જે હવે 22,416 પર પહોંચી ગયો છે.
એક દિવસ પહેલા એટલે કે શુક્રવારે પણ દેશમાં લગભગ ચાર હજાર કોરોના કેસ નોંધાયા હતા. 3 જૂને સંક્રમણના 4,041 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 10 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. ભારતમાં 84 દિવસ પછી એક દિવસમાં કોવિડ-19ના 4,000થી વધુ નવા કેસ નોંધાયા હતા. ભારતમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા હવે 4,31,72,547 છે. તો કોરોનાને કારણે અત્યાર સુધીમાં 5,24,677 લોકોએ જીવ ગુમાવ્યો છે.
દેશમાં 4,26,25,454 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 193,96,47,071 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 11,67,037 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.