દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. સામાન્ય લોકોથી માંડીને દિગ્ગજ નેતાઓ અને ફિલ્મ અભિનેતાઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીના પણ ઘણા સેલેબ્સ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. કેટલાકે કોરોનાને હરાવ્યો છે, જ્યારે કેટલાક હજુ પણ કોરોના સાથે લડી રહ્યા છે. ત્યારે હવે જાણીતા સિંગર સોનુ નિગમને પણ કોરોના થયો છે. સોનુ નિગમની સાથે તેમની પત્ની પુત્ર પણ કોરોનાથી સંક્રમિત થયા છે.
સોનુ નિગમે વીડિયો શેર કરીને આપી જાણકારી
સોનુ નિગમે તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કરીને આ અંગે માહિતી આપી છે. તેમણે લગભગ 3 મિનિટનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેમણે કહ્યું છે કે તેઓ દુબઈમાં છે અને કોરોના સામે લડાઈ લડી રહ્યા છે.
સોનુ નિગમે વીડિયોમાં કહ્યું કે- ‘મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું દુબઈમાં છું. મારે ભારત આવવાનું હતું કારણ કે મારે ભુવનેશ્વરમાં પરફોર્મ કરવાનું હતું અને સુપર સિંગર સીઝન 3નું શૂટિંગ પણ કરવાનું હતું. પરંતુ જ્યારે મેં કોરોનાનો ટેસ્ટ કરાવ્યો ત્યારે હું પોઝિટિવ આવ્યો. પરંતુ મને આશા છે કે હું ધીરે ધીરે સાજો થઈશ.’
વીડિયોના અંતમાં સોનુ નિગમે જણાવ્યું કે, તેમનો પુત્ર અને પત્ની પણ કોવિડ પોઝિટિવ છે. તેમણે એમ પણ કહ્યું કે, તેઓ તેમના પુત્રને દોઢ મહિનાથી નથી મળ્યા, તેથી તેઓ તેમના પુત્રને મળવા દુબઈ આવ્યા હતા, પરંતુ હવે તેઓ તેમના પુત્ર સાથે વધુ સમય વિતાવી શકશે.