તા-16-01-2022 ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનની જાહેરાતમાં આદિજાતિ નાગરિકો માટે અપમાન જનક શબ્દ માટે તાત્કાલીક પગલા ભરવા અને ભાજપ સરકાર માફી માંગે તેવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીની માંગ કરતા જણાવ્યું હતું કે, ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન – ગુજરાત સરકારની જાહેરાતમાં આદિવાસી સમાજ માટે ”ઈસમો” તરીકે અપમાન જનક શબ્દનો ઉલ્લેખ છે જે આદિવાસી સમાજનું હળહળતું અપમાન કરનાર ભાજપા શાસકનું વધુ એક કૃત્ય છે અને નાગરિકની ઓળખ ઉપર પણ હુમલો છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, તેમણે આદિજાતિના નાગરિકોને સન્માન ન આપીને આદિવાસી સમાજની સંસ્કૃતિ – ઓળખ ને નાશ કરવાનું ભાજપ સરકારનું સુનિયોજીત કાવતરું વધુ એકવાર ખુલ્લુ પડ્યુ છે. વનબંધુ – વનવાસીના નામે આદિવાસી સમાજની ઓળખ ભૂંસવાનું ભાજપ સરકાર લાંબા સમયથી કરી રહી છે. અંબાજીથી ઉમરગામ આદિવાસી સમાજના બાળકોના શિક્ષણને અધિકાર છીનવવામાં આવ્યા. આદિવાસી સમાજના બાળકો સૌથી વધુ કુપોષીત અને મહિલાઓ પણ મોટા પાયે કુપોષણનો ભોગ બની રહી છે. મધ્યાહન ભોજના યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર, સંજીવની દુધ યોજના લાંબા સમયથી બંધ હોવાથી આદિવાસી સમાજના બાળકોને મોટી મુશ્કેલી પડી રહી છે. મનરેગા યોજનાના નામે આદિવાસી વિસ્તારમાં મોટા પાયે ગેરરીતિ કરીને રોજગારનો અધિકાર છીનવવામાં આવી રહ્યો છે. વનબંધુ યોજનાના નામે કરોડો રૂપિયા ભાજપાના નેતાઓ – મળતીયાઓ સગેવગે કરી રહ્યાં છે. જંગલની જમીનના અધિકાર આપવામાં ભાજપા સરકાર આદિવાસી સમાજને લાંબા સમય સુધી અન્યાય કર્યો.
ડૉ. મનીષ દોશીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આદિવાસી – આદિજાતી કલ્યાણના સબપ્લાનના નાણાં અન્ય જગ્યાએ – અન્ય હેતુ માટે ખર્ચીને આદિવાસી પરિવારોને અનેક યોજનાથી વંચિત રાખ્યા. અન્ન નાગરિક પુરવઠા હેઠળ મળવા પાત્ર અનાજ અને અન્ય ચીજવસ્તુઓથી આદિવાસી વિસ્તારમાં યોગ્ય પ્રમાણમાં ઉપલબ્ધ થતી નથી અને મળવાપાત્ર જથ્થો પણ મોટા પાયે સગેવગે થઈ રહ્યો છે. ત્યારે આદિજાતિ સમાજને હક્ક અધિકાર આપવામાં નિષ્ફળ ભાજપા સરકાર આદિવાસી નાગરિકોનું અપમાન કરવાનું અને આદિવાસી સમાજના સવૈધાનિક અધિકારો પર તરાપ મારવાનું બંધ કરે.
તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનની જાહેરાતમાં જે અધિકારીએ આદિવાસી સમાજ / નાગરિકો માટે અપમાન જનક શબ્દનો પ્રયોગ કર્યો છે તેમની સામે તાત્કાલીક પગલા ભરવામાં આવે અને આદિવાસી સમાજ માટે અપમાન જનક શબ્દ બદલ ભાજપા માફી માંગે.