નર્મદા: આવતીકાલે રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવનાર છે જેને લઈ પતંગ રસીકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પતંગના આ પર્વને ધ્યાનમાં રાખી મનમોહક લેસર શોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉત્તરાયણ પર્વની થીમ પર લેસર શો દ્વારા લોકોને આ તહેવારની શુભકામના પાઠવવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા આવતા પ્રવાસીઓ માટે રાત્રીનો નજારો માણવા માટે લેશર શો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
ખાસ તો સ્ટેચ્યુની પ્રતિમા પર સરદાર પટેલના ઇતિહાસનું ફિલમાંકન દર્શાવવામાં આવે છે. ત્યાર બાદ પ્રવાસીઓને આકર્ષવા તેમાં નવા પ્રયોગો કરવામાં આવ્યા. જેમાં નવા વર્ષે હેપ્પી ન્યૂ ઈયર લખીને પ્રવાસીઓનું નૂતનવર્ષે સ્વાગત કરવામાં આવ્યું. હવે તહેવારોને અનુરૂપ થીમ આધારિત લેસર શોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
તાજેતરમા સ્ટેચ્યુ સત્તાવાળાઓએ ઉતરાણ પર્વે ઉત્તરાયણના પર્વની થીમ પર લેસર શોનું આયોજન કર્યું હતું. જેમાં લેસર શોમાં પંતગો અને રંગબેરંગી લાઈટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, આ મનમોહક દ્રશ્ય જોઈ પ્રવાસીઓ પણ પ્રફુલ્લિત થઈ ગયા હતા.