જીવન જરૂરીયાત ચીજવસ્તુઓ જેવી કે ઘઉંનો લોટ, મધ, ગોળ, પેકિંગમાં મળતું અનાજ, વગેરે પર GSTના કારણે તેના ભાવમાં વધારો થવાથી પ્રજાજનો પર વધી રહેલ મોંઘવારીનો અસહ્ય બોજ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, અત્યંત અસંવેદનશીલ અને સરમુખત્યારી ભાજપ સરકારના અવિચારી અને પ્રજાવિરોધી નિર્ણયો પ્રજાજનોની હાડમારીમાં વધારો કરી રહ્યાં છે.
વધુમાં દેશમાં ગ્રામીણ અને શહેરી બેરોજગારીમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે સતત વધતી બેરોજગારી, મોંઘવારી, તમામ આવશ્યક જીવન જરૂરી ચીજવસ્તુઓમાં બેફામ ભાવ વધારાને પગલે પીડાતી પ્રજાના પ્રશ્નોને ઉજાગર કરવા સમગ્ર રાજ્યમાં ભાજપ સરકાર સામે કોંગ્રેસ પક્ષ ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાશે.
તેઓએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારની અવિચારી, વિવાદાસ્પદ અગ્નિપથ જેવી યોજના પણ બેરોજગાર યુવાનોની આકાંક્ષાઓને પણ નષ્ટ કરી રહી છે. હાલમાં સંસદના ચાલુ સત્રમાં સંસદ અને સંસદની બહાર પણ કોંગ્રેસ પક્ષ આ મુદ્દે આક્રમક વલણ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રહી છે. ગુજરાતના 33 જીલ્લા 8 મહાનગરપાલિકા, 157 નગરપાલિકામાં તારીખ 50મી ઓગસ્ટ, 2022ને શુકવારના રોજ મોંઘવારી અને બેરોજગારી સામે વિરોધ પ્રદર્શનનો અને સામુહિક ધરપકડનો કાર્યકમ યોજાશે.