રાજ્ય સરકાર દ્વારા 11/01/2022ના રોજ એક નોટિફિકેશન જાહેર કરાયું હતું. જે અંતર્ગત ગ્રામ સેવકની ભરતી નિયમોમાં ડિપ્લોમાં ખેતીવાડી અને BRS લાયકાત ધરાવતા ઉપરાંત BSC એગ્રીકલ્ચર, BSC હોર્ટિકલ્ચર BE એગ્રીકલ્ચરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેનાથી કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા અને BRSના વિદ્યાર્થીઓ સાથે સીધો અન્યાય થવા જઈ રહ્યો છે.
કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા અને BRSના વિદ્યાર્થીઓ માટે સરકારી ક્ષેત્રમાં ગ્રામ સેવક અને ખેતી મદદનીશ ઉપરાંત કોઈ તક રહેલી નથી. આ અભ્યાસ ગુજરાતી માધ્યમમા હોય અન્ય સરકારી નોકરીના વિકલ્પો પણ તેમના માટે રહેતા નથી. તેમજ વર્ગ-3ની આ પોસ્ટ તેમના અભ્યાસક્રમને અનુરૂપ ફિલ્ડને લગતી પોસ્ટ છે.
સરકારમાં આ ભરતી કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા અને BRSના વિદ્યાર્થીઓ માટે એક સ્વપ્ન છે. હવે જો BSC એગ્રીકલ્ચર, BSC હોર્ટિકલ્ચર BE એગ્રીકલ્ચર વગેરેનો ગ્રામ સેવકની નોકરી માટે લાયક ગણાશે તો ડિપ્લોમા અને BRSના વિદ્યાર્થીઓ માટે સરકારી નોકરી એ એક સપનું બની જશે.
બીજી બાજુ અન્ય ટેક્નિકલ ડિગ્રી ધરાવતા આ સાથેના વિદ્યાર્થીઓ માટે એગ્રીકલ્ચર ઓફીસર, વિસ્તરણ અધિકારી જેવી અનેક સીધી અને GPSCની ભરતીઓમાં માન્ય ગણવામાં આવે છે અને રોજગારી માટેના તેમને પુરતા વિકલ્પો છે. તેમની આવી કોઈપણ પોસ્ટ માટે કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા અને BRSને લાયક ગણવામાં આવતા નથી.
આથી રાજ્યના હજારો ખેતીવાડી ડિપ્લોમા અને BRS વિદ્યાર્થીઓના ભવિષ્ય ખાતર રાજ્ય સરકારે 11/01/2022નો પરિપત્ર રદ્દ કરવો જોઈએ. 2016-17ની ગ્રામ સેવકની છેલ્લી ભરતીમાં SC એગ્રીકલ્ચર, BSC હોર્ટિકલ્ચર BE એગ્રીકલ્ચરની શૈક્ષણિક લાયકાત ન હતી અને ત્યારબાદ એકપણવાર ભરતી થઈ નથી.
ત્યાં અચાનક આ પ્રમાણે નિયમોમાં ફેરફાર કરવાથી કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા અને BRSના વિદ્યાર્થીઓ સાથે સીધો જ અન્યાય છે. માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્ય સરકારને 11/01/2022નો પરિપત્ર રદ્દ કરી 25/11/2019 મુજબ ગ્રામ સેવકની ભરતી પ્રક્રિયા હાથ ધરવા જણાવાયું છે.