કોંગ્રેસે મોંઘવારી અને રોજબરોજની વસ્તુઓની વધતી કિંમતો સામે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કર્યું છે. કોંગ્રેસના આ વિરોધ પ્રદર્શનની શરૂઆત રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સથી થઈ. રાહુલ ગાંધીએ કહ્યું કે, આજે દેશમાં લોકશાહી નહીં, માત્ર તાનાશાહી છે. અમે મોંઘવારીનો મુદ્દો ઉઠાવીએ છીએ. અમને સંસદમાં બોલવા દેવામાં આવતા નથી. બહાર પ્રદર્શન કરીએ તો ધરપકડ કરવામાં આવે છે.
રાહુલ ગાંધીએ કહ્યું, 70 વર્ષમાં દેશ બન્યો, પરંતુ ભાજપે 8 વર્ષમાં તેને ખતમ કરી નાખ્યો. ભલે બેરોજગારી, હિંસા અને મોંઘવારીનો મુદ્દો હોય, સરકારનો ફક્ત એક જ એજન્ડા છે કે આ મુદ્દાઓને ઉઠાવવામાં ન આવે.
કોંગ્રેસે ઈડીની કાર્યવાહીનો પણ ઉઠાવ્યો મુદ્દો
કોંગ્રેસનો કેન્દ્રની વિરુદ્ધ આ હલ્લાબોલ એવા સમયે થઈ રહ્યો છે, જ્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે નેશનલ હેરાલ્ડ કેસમાં કાર્યવાહી તેજ કરી છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ નેશનલ હેરાલ્ડ કેસમાં EDની કાર્યવાહીનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું, સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેને એવા સમયે સવાલ કરવામાં આવી રહ્યા છે, જ્યારે સંસદની કાર્યવાહી ચાલી રહી છે.
સંસદથી રાષ્ટ્રપતિ ભવન સુધી કોંગ્રેસની માર્ચ
કોંગ્રેસનો આ વિરોધ પ્રદર્શન દિલ્હી સ્થિત કોંગ્રેસના મુખ્યાલયથી શરૂ થશે. લગભગ 10 વાગ્યાની આસપાસ કોંગ્રેસના સાંસદો અને વર્કિંગ કમિટીના સભ્યો અને અન્ય નેતાઓ અહીંથી કૂચ કરશે. કોંગ્રેસના સાંસદો પણ મોંઘવારી મુદ્દે 11 વાગે સંસદ ભવનથી રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ કરશે. કોંગ્રેસે પણ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત માટે સમય માંગ્યો છે, પરંતુ હજુ સુધી સમય મળ્યો નથી.
દિલ્હી પોલીસે કહ્યું- માત્ર જંતર મંતર પર પ્રદર્શનની પરવાનગી
દિલ્હી પોલીસે કોંગ્રેસને પત્ર લખીને કહ્યું છે કે, જંતર-મંતર સિવાય સમગ્ર નવી દિલ્હી વિસ્તારમાં કલમ 144 લાગુ છે. આવી સ્થિતિમાં વિરોધ પ્રદર્શનને મંજૂરી આપી શકાય નહીં. જો કલમ 144નો ભંગ થશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. નવી દિલ્હી વિસ્તારના ડીસીપીએ કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલને આ પત્ર 4 ઓગસ્ટ અને 2 ઓગસ્ટે બે વાર લખ્યો છે.