આણંદ: વિશ્વભરમાં કોરોના નામની મહામારીએ છેલ્લા બે વર્ષ કરતા વધુ સમયથી ભારે હાહાકાર મચાવ્યો છે. કોરોનાની પ્રથમ લહેર કરતા બીજી લહેર સૌથી વધુ ઘાતક સાબિત થઈ હતી, ત્યારે હવે કોરોનાની ત્રીજી લહેરની પણ દસ્તક દુનિયાના અનેક દેશોમાં થઈ ગઈ છે.
ભારતમાં પણ કોરોનાની બીજી લહેરમાં મોટી સંખ્યામાં લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા હતા અને અનેકના મૃત્યુ થયા હતા. ગુજરાતમાં પણ કોરોના મહામારીમાં અત્યાર સુધી મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ થયા છે. કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સહાય આપવાની જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી હતી.
ત્યારબાદ ગુજરાત સરકારે પણ 50 હજારની સહાય આપવાની શરૂઆત કરી હતી. ત્યારે આણંદ જિલ્લાના ઉમરેઠ ખાતે કોંગ્રેસ દ્વારા આ સહાય ખૂબ જ ઓછી હોવાનું કહી પીડિત પરિવારો સાથે મજાક કરી હોવાના આક્ષેપ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ઉમરેઠ તાલુકા કોંગ્રેસના આગેવાનોએ કોરોનાથી મૃત્યુને ભેટેલા લોકોના પરિવારજનોને સાથે રાખી મામલતદારને આવેદન પાઠવ્યું હતું અને આ મહામારીમાં મૃત્યુને ભેટેલા દર્દીઓના સ્વજનોને સરકાર દ્વારા 4 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ દરમિયાન પ્રદેશ પ્રભારી ભીખાભાઈ રબારી, પ્રભારી વિપુલભાઈ વાઘેલા સહિતના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.