થોડા દિવસ પહેલા ગુજરાતના એક જ પરિવારના ચાર સભ્યો કેનેડાથી અમેરિકામાં પ્રવેશ કરતા બોર્ડર ઉપર બરફના તોફાનમાં થીજી ગયા અને તેમના દુઃખદ મૃત્યુ થયા. ભાજપના વરિષ્ઠ નેતા અને વર્ષો સુધી મંત્રી રહેલ નિતીન પટેલે આ બાબતે અફસોસ સાથે કહેવુ પડ્યું કે ગુજરાતમાં તકોના અભાવે આપડા યુવાનો-યુવતીઓને વ્યવસાય અને નોકરીની શોધમાં બીજા દેશમાં જવુ પડે છે. એટલે આપણે સહુએ અહીં રોજગારીની સારી તકોનું સર્જન થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ.
નિતીન પટેલે જે વાસ્તવિક્તા હતી તે કહી અને તે બાબતે સલાહ પણ આપી. પરંતુ ભાજપ સરકારના વર્તમાન મંત્રી મંડળના સભ્ય હર્ષ સંઘવી પોતાની જ પાર્ટીના વરિષ્ઠ નેતાના નિવેદને ખોટુ ગણાવી ગુજરાતમાં રોજગારીની તકોનું આભાસી ફુલ ગુલાબી ચિત્ર દર્શાવી પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.
રોજગારીની તકો અંગે ગુજરાતની વાસ્તવિક સ્થિતીનો ચિતાર આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, રાજ્યના IT પાસ યુવાન રોજગારી માટે અમેરિકાની સિલીકોન વેલીથી શરૂ કરીને ભારતમાં હૈદરાબાદ, બેંગ્લોરમાં જઈ પોતાની કારર્કિદી બનાવવા મજબૂર છે. કારણ કે ગુજરાતમાં IT ક્ષેત્રે કારર્કિદીની તકો લગભગ શૂન્ય સમાન છે. ગુજરાતના એન્જિનિયર, એમબીએ થયેલ યુવાનો બેરોજગાર છે. કોમર્સ કે અન્ય શાખાના ગ્રેજ્યુએટ યુવાનો માટે પણ રોજગારીની પૂરતી તકો નથી. જે સરકારી નોકરીની તકો છે તેમાં પણ કૌભાંડો કરીને ભરતીઓ કરાય છે.
અર્જુન મોઢવાડિયાએ ઉમેર્યું કે, રાજ્યની ભાજપ સરકાર યુવાનોને ન તો મફત શિક્ષણની વ્યવસ્થા આપી શકે છે, ના અભ્યાસ બાદ રોજગારીની તકો આપી શકે છે. આવી દુઃખદ સ્થિતી છે. એટલે ભાજપના નેતાઓએ જે કંઈ વાદ-વિવાદ કરવા હોય તે ચાર દિવાલોમાં કરી લે. સાચી સ્થિતી સ્વિકારી અને રાજ્યમાં રોજગારીની તકોનું સર્જન કરવા માટે સરકારે આગળ આવવુ જોઈએ.