નર્મદા: નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે કોંગ્રેસના સક્રિય કાર્યકરે નવ સંકલ્પ સંમેલનની ચાલુ સભામાં હંગામો કરતા સભામાં સન્નાટો છવાઈ ગયો હતો.
હારેલા આગેવાનોને સ્ટેજ પર બેસાડતા અને જીતેલાને નીચે બેસાડતા કાર્યકરે નેતાઓનો જાહેરમાં ઉધડો લીધો હતો. જોકે ચાલુ સભામાં જ હંગામો મચતા આગેવાનો અને અન્ય કાર્યકરોએ કોંગ્રેસના કાર્યકરને સમજાવીને બેસાડવાનો પ્રયત્ન કર્યો હતો, જોકે તેમ છતાં રોષે ભરાયેલ કાર્યકર સંમેલન છોડી જતા રહેતા કોંગ્રેસ આગેવાનો સ્તબ્ધ બની ગયા હતા.
મહત્વનું છે કે, નાંદોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નવ સંકલ્પ સંમેલનનો કાર્યક્રમ સરદાર ટાઉન હોલમાં રાખવામાં આવ્યો હતો. જેમાં વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા, માજી રેલ મંત્રી અને રાજ્યસભાના સદસ્ય નારણ રાઠવા, નાંદોદ વિધાનસભાના ધારાસભ્ય પી ડી વસાવા સહીત કોંગી આગેવાનો, તાલુકા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.