રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સીએમ પદ સંભાળ્યા બાદ બીજી વખત અમરેલીની મુલાકાતે પહોંચ્યા હતા. વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ ભાજપના નેતાઓની હલચલ વધી ગઈ છે.
ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લાઠી અને લીલીયા તાલુકાના વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા અને વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લાઠીના દેવળીયા ખાતે પહોંચી ગાગડીયો નદી પર નિર્માણાધીન સરોવરની સમીક્ષા કરી હતી.
આ દરમિયાન દેવળીયા ખાતે પહોંચેલા સીએમનું સ્થાનિક લોકોએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. ડેમના પાળા પરથી મુખ્યમંત્રીએ જળ સંચય માટે બનાવતા ડેમનું પરીક્ષણ કર્યું હતું.
રાજય સરકાર દ્વારા જળસંગ્રહ અને જળસિંચન માટે અનેકવિધ કાર્યક્રમો અમલી કરવામાં આવ્યા છે. રાજય સરકારના સુજલામ સુફલામ જળ અભિયાન થકી રાજયમાં કાયાપલટ થઇ છે. જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લાઠી તાલુકાના લાઠી, કેરિયા, હરસુરપુર દેવળીયા, દુધાળા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં તળાવ ઉંડા ઉતારવાની કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું.