ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિયત સ્થિર છે અને ચિંતાનું કોઈ કારણ નથી તેવી જાહેરાત તેમની સારવાર કરતા ડોક્ટરોએ જાહેર કર્યું છે. મુખ્યમંત્રી રૂપાણીની તબિયત લથડતાં જૂનાગઢના કાર્યક્રમમાં હાજરી આપવાનું ટાળીને તે રાજકોટ પાછા ફર્યા હતા.
રાજકોટથી વિશેષ વિમાનમાં રૂપાણીને અમદાવાદ લાવવામાં આવ્યા હતાં. અમદાવાદ ખાતે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ડૉ. આર. કે. પટેલ અને ડૉ. મનોજ ઘોડાએ તેમને તપાસ્યા હતા. મુખ્યમંત્રીની તબીબી તપાસ બાદ ડૉ. આર. કે. પટેલે અને ડૉ. મનોજ ઘોડાએ નિદાન કર્યું હતું કે, મુખ્યમંત્રીને ઉલટી થઈ હતી અને તાવ આવ્યો હતો.
આ ઉપરાંત આંતરડામાં દુઃખવાની ફરિયાદ હતી. તેમને આંતરડા પર સોજો હોવાનું નિદાન થયું છે તેથી આરામ કરવાની સલાહ અપાઈ છે. જો કે હાલમાં મુખ્યમંત્રી રૂપાણીની તબિયત હાલ સ્થિર છે અને ચિંતાનું કોઇ જ કારણ નથી. મુખ્યમંત્રીના 2 માર્ચના તમામ કાર્યક્રમો રદ કરાયા હોવાની સત્તાવાર જાહેરાત કરાઈ છે.
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરના કાર્યક્રમમાં રૂપાણી સવારે હાજર ન હતા. જૂનાગઢમાં મિની કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રૂપાણી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સાથે હાજરી આપવા આવવાના હતા પરંતુ તબિયત લથડતા તેઓ અધવચ્ચેથી ગાંધીનગર જવા રવાના થયા હતા. જો કે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ નિયત સમયે જૂનાગઢ પહોંચ્યા હતા અને ધર્મ સભામાં હાજરી આપી હતી.
રૂપાણીને રાજકોટમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જ્યાં તેમની સોનોગ્રાફી પણ કરવામાં આવી હતી. જેમાં તેમને આંતરડામાં સોજા હોવાની વાત બહાર આવતા ડોક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી હતી. જેને લઇ સીએમ રૂપાણીએ તેમના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે અને તેઓ રાજકોટથી ગાંધીનગર પરત ફર્યા હતા.
જૂનાગઢના શિવ કુંભ મેળામાં અખાડા પરિષદની બેઠકમાં ગઈકાલે મહત્વનો નિર્ણય લેવાયો હતો. અખિલ ભારતીય અખાડા પરિષદના મહામંત્રી હરિગીરીજી મહારાજના સાનિધ્યમાં બેઠક યોજાઈ હતી. જેમાં નક્કી કરાયું હતું કે, સાધુ સંતોને મળનારી દાન દક્ષિણાની તમામ ધન રાશિ પુલવામાના શહીદોના પરિવારને અર્પણ કરાશે.
તો ગિરનારના રાષ્ટ્રવાદી સંત ઈન્દ્રભારતી બાપુના પ્રસ્તાવ પર સંતોએ મહોર મારી હતી. મહામંડેશ્વર ભરતીબાપુ, મહામંડેશ્વર મહેન્દ્રનંદગીરીજી મહારાજ અને તનસુખગિરિજી મહારાજે પણ આ બાબતને સમર્થન આપ્યું હતું.