રાજ્યમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીનો પ્રારંભ થયો છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી પ્રિ-મોન્સુન એકિટિવિટીનો પ્રારંભ થયો છે, જેને લઈ આગામી 3 દિવસ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
સાથે જ હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામા્ં આવી છે. રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.
કેટલીક જગ્યાઓ તો વરસાદ પણ પડ્યો છે, જેના કારણે લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત મળી છે. તો વળી અમદાવાદમાં છેલ્લા બે દિવસથી વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટું પણ પડ્યું હતું. આ સાથે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
બીજીબાજુ રાજ્યમાં આ વર્ષે ચોમાસુ 10 જૂનની આસપાસ બેસવાની શક્યતા હતી. પરંતુ પવનની પેટર્ન સાનુકુળ ન હોવાથી કેરળમાં ચોમાસુ 2 દિવસમાં સત્તાવાર બેસી જશે. તો ગુજરાતમાં 20 જૂન સુધી ચોમાસુ બેસવાની કોઈ શક્યતા નથી. કેરળમાં ચોમાસુ બેસ્યા બાદ પશ્ચિમ કાંઠા તરફ ખુબ ધીમેથી આગળ વધશે. જેથી આગામી 15 દિવસ સુધી ચોમાસાની ગતિ ધીમી રહેશે.