શ્રીલંકામાં ચાલી રહેલી રાજકીય-આર્થિક કટોકટી વચ્ચે હવે ચીનનું જાસૂસી જહાજ યુઆન વાંગ 5 હંબનટોટામાં ચીનના બંદરે પહોંચવાની જાહેરાતથી ભારત એલર્ટ થઈ ગયું છે. ભારત આ સમગ્ર મામલામાં ચાંપતી નજર રાખી રહ્યું છે. ચીનનું આ જાસૂસી જહાજ 11 ઓગસ્ટે આવી રહ્યું છે, જે કથિત રીતે હિંદ મહાસાગર ક્ષેત્રમાં સેટેલાઇટ નિયંત્રણ અને સંશોધન કાર્ય કરશે. ભારત એટલા માટે એલર્ટ થઇ ગયું છે કારણ કે ચીનનું જહાજ એવા સમયે આવી રહ્યું છે જ્યારે શ્રીલંકામાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે.
અહેવાલો મુજબ, ચીન કદાચ શ્રીલંકાની રાજકીય પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને તેનું જાસૂસી જહાજ મોકલી રહ્યું છે. ભારત એ બાબતની તપાસ કરી રહ્યું છે કે ચીનને શ્રીલંકા તરફથી આ જહાજની પ્રસ્તાવિત મુલાકાતમાં કેવા પ્રકારનું રાજકીય અને સૈન્ય સમર્થન મળી રહ્યું છે. ભારત લાંબા સમયથી મ્યાનમારથી આફ્રિકા સુધી ચીન દ્વારા બનાવવામાં આવી રહેલા બેવડા વપરાશવાળા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ચિંતા વ્યક્ત છે. આ ભારતના હિતો માટે એક સીધો પડકાર છે.
વર્ષ 2014માં હંબનટોટા બંદર પહોંચી હતી ચીનની સબમરીન
આ જાસૂસી જહાજ 17 ઓગસ્ટે હંબનટોટાથી પરત ફરી જશે. શ્રીલંકામાં ચીનના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટના ડાયરેક્ટર વાય રાણારાજાએ જણાવ્યું હતું કે ચીનનું આ જહાજ હિંદ મહાસાગરના ઉત્તર-પશ્ચિમ ભાગમાં સેટેલાઇટ કંટ્રોલ અને રિસર્ચ મોનિટરિંગ કરશે. 2014 પછી આવું પહેલી વાર છે કે જ્યારે આ પ્રકારનું ચીનના નૌકાદળનું જહાજ શ્રીલંકાની મુલાકાતે છે. આ પહેલા વર્ષ 2014માં ચીનની એક સબમરીન હંબનટોટા પોર્ટ પર પહોંચી હતી, જેના પર ભારતે ખૂબ જ આકરી પ્રતિક્રિયા આપી હતી અને સમગ્ર મામલો ઉચ્ચ સ્તરે ઉઠાવ્યો હતો.
બીઆરઆઈના ડાયરેક્ટર રાણારાજાએ ટ્વીટ કર્યું કે ચીનનું યુઆનવાંગ-5 સ્પેસ ટ્રેકિંગ શિપ સ્પેસ-ગ્રાઉન્ડ ઈન્ફોર્મેશન એક્સચેન્જનું કામ કરી રહ્યું છે. તે ખાસ કરીને Zhongqing-2E ઉપગ્રહને તેની ભ્રમણકક્ષા નક્કી કરવા માટે ડેટા સપોર્ટ પૂરો પાડે છે. આ જહાજ હાલમાં તાઈવાન નજીકથી પસાર થઈને શ્રીલંકા તરફ આગળ વધી રહ્યું છે. ચીન શ્રીલંકાના હંબનટોટા બંદર પર ઘણી ગતિવિધિઓ કરી રહ્યું છે પરંતુ તે વિશ્વ માટે એક રહસ્ય છે. નિષ્ણાતોનું કહેવું છે કે ચીનનું આ જહાજ દરિયાકાંઠાના દેશોમાં જાસૂસી કરવાની ક્ષમતાથી સજ્જ છે.