ભારત હવે ચીનને તેની જ ભાષામાં જવાબ આપવાની તૈયારી કરી ચૂક્યું છે. ચીને LAC પર રસ્તાઓનું નેટવર્ક ફેલાવ્યું છે, તો ભારતે પણ સરહદના વિસ્તારોમાં રોડ અને સૈન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઉભું કરી દીધું છે. હવે વારો છે 5G નેટવર્કનો. ચીનના LAC પર 5G નેટવર્ક પછી હવે ભારત પણ સેના માટે 18 હજાર ફૂટની ઉંચાઈ પર તૈનાત સૈનિકો માટે 5G નેટવર્ક લાવવા માટે તૈયાર છે. ભારતીય સેનાએ આ સંબંધમાં મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર્સ માટે RFI (રિકવેસ્ટ ફોર ઇન્ફોર્મેશન) જારી કરી છે.
આ RFIમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે ભારતીય સેનાને માત્ર સરહદી વિસ્તાર માટે 5G નેટવર્કની જરૂર નથી પરંતુ સંપૂર્ણ 5G સિસ્ટમ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર છે. આમાં સ્પષ્ટપણે લખ્યું છે કે સેનાને એવા નેટવર્કની જરૂર છે જે લાંબા ગાળાની અદ્યતન 4G સિસ્ટમ અને સ્ટેન્ડ-અલોન 5G સિસ્ટમ હોય.
દુર્ગમ વિસ્તારોમાં સુરક્ષિત નેટવર્કની માંગ
સેના માટે સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી કરાયેલા આ RFIમાં ટેલિકોમ કંપનીઓને દુર્ગમ વિસ્તારોમાં સૈન્ય થાણાઓની જરૂરિયાત અનુસાર સુરક્ષિત નેટવર્ક, વૉઇસ મેસેજ અને ડેટા આપવાનું કહેવામાં આવ્યું છે. RFI અનુસાર, મોબાઈલ કંપની સેનાને 5G નેટવર્ક તેમજ મોબાઈલ હેન્ડસેટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે ટાવર વગેરે પ્રદાન કરશે જેથી હંમેશા 99 ટકા નેટવર્ક ઉપલબ્ધ રહે. કોઈપણ રક્ષા સોદા માટે RFI એ ટેન્ડર પ્રક્રિયાનો બીજો તબક્કો હોય છે. આગામી બે મહિનામાં એટલે કે સપ્ટેમ્બર મહિના સુધીમાં ટેલિકોમ કંપનીઓએ સેનાના આ RFIનો જવાબ આપવાનો છે. માહિતી પૂરી પાડવામાં આવ્યા પછી, સંરક્ષણ મંત્રાલય યોગ્ય કંપનીઓને RFP એટલે કે રિકવેસ્ટ ફોર પ્રપોઝલ જારી કરશે.
18000 ફૂટની ઉંચાઈ પર પણ કામ કરશે આ સિસ્ટમ
RFI અનુસાર, આ સિસ્ટમ 18000 ફૂટની ઉંચાઈમાં, માઈનસ (-)20 થી (-)25 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં પણ કામ કરવા સક્ષમ હોવી જોઈએ. આ સિવાય 5 મીમીથી 50 સેમી વરસાદ, 10 ફૂટ સુધીની હિમવર્ષા અને 50 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન વાળા વિસ્તારોમાં પણ આ સિસ્ટમ વધુ સારી રીતે કામ કરવા સક્ષમ હોવી જોઈએ. ઉપરાંત, વીજળી-વાવાઝોડાથી પણ દ્વારા સિસ્ટમને નુકસાન થવું ન જોઈએ.
ઓપરેશનલ જરૂરિયાત અને ગુપ્તતા
ભારતીય સેનાની ફિલ્ડ ફોર્મેશન્સ આ 5G નેટવર્કનો પર્વતીય અને 18,000 ફૂટની ઊંચાઈવાળા વિસ્તારોમાં ઉપયોગ કરશે. સૈન્ય દ્વારા ઉપયોગમાં લેવાતા સંદેશાવ્યવહારના સાધનો અને મોબાઇલ હેન્ડસેટ એક ચોક્કસ ઇન્સક્રિપ્શન પર આધારિત હોવા જોઈએ. હેન્ડસેટ પર ગુપ્તતાનું એક ખાસ લેયર હશે. આખું નેટવર્ક એક ઇન્સક્રિપ્શન ડિવાઇસ સાથે જોડવામાં આવશે જેથી નેટવર્કમાં ઘૂસીને કોઈ જાસૂસી ન કરી શકે. આ નેટવર્ક પર કોઈપણ રીતે કોઈપણ ગેરકાયદેસર યૂઝર અને રેડિયો ટેકનોલોજી નેટવર્ક કામ કરવું જોઈએ નહીં.
સ્વદેશી નેટવર્ક અને ડિલિવરી
ટેલિકોમ કંપનીએ જણાવવું પડશે કે તેની સિસ્ટમ અને નેટવર્કમાં કેટલા ટકા સ્વદેશી હિસ્સો છે. સંરક્ષણ મંત્રાલયની ડિફેન્સ એક્વિઝિશન પોલિસી-ડીપીપી 2020ના આધારે બાય (ઇન્ડિયન) પ્રક્રિયા હેઠળ આખી સિસ્ટમ હોવી જોઈએ. મોબાઈલ કંપનીએ ટેન્ડર બહાર પાડવાની તારીખથી 12 મહિનામાં કોન્ટ્રાક્ટ પૂરો કરવાનો રહેશે.
હકીકતમાં, વર્ષ 2020 માં, જ્યારે પૂર્વી લદ્દાખમાં ચીન સાથે ગલવાન ખીણનું યુદ્ધ અને પછી તણાવ ચાલી રહ્યો હતો, તે સમયે ભારતે એ LAC ને અડીને આવેલા વિસ્તારોમાં પોતાના મોબાઈલ ફોન બંધ કરી દીધા હતા. આ એટલા માટે કરવામાં આવ્યું હતું કારણ કે ભારતને નેટવર્ક બ્રિચ થવાનો ભય હતો, તેથી ભારતીય સેના હવે પોતાનું એક સુરક્ષિત 5G મોબાઇલ નેટવર્ક ઇચ્છે છે, જેનો ઉપયોગ ફક્ત સેના અને સૈનિકો જ કરી શકે.
ચીનનું 5G નેટવર્ક LACની ખૂબ નજીક
નોંધનીય છે કે કોમ્યુનિકેશનના રૂપમાં ચીને 5Gને LACની ખૂબ નજીક લાવી દીધું છે. ચીને ગયા વર્ષે જ તિબેટમાં ભૂતાન-ભારત સરહદ નજીક વિશ્વના સૌથી ઊંચા રડાર સ્ટેશન પર 5G સિગ્નલિંગ બેઝ પર કામ શરૂ કર્યું હતું. આટલું જ નહીં, LAC પાસે સ્થિત ગામડાના લોકોના ફોન પર ચાઈનીઝ સર્વિસ પ્રોવાઈડર્સના રોમિંગ સિગ્નલ આવવા લાગે છે જેથી ચીન તેના જાસૂસી મનસૂબાઓને પૂર્ણ કરી શકે. આ જ કારણ છે કે ચીનના આ હુમલાના જવાબમાં ભારતે પણ ચીન સાથેની 3488 કિલોમીટર લાંબી સરહદ પર તૈનાત ભારતીય સૈનિકોને સુરક્ષિત હાઈ-સ્પીડ 5G નેટવર્ક આપવાની તૈયારી શરૂ કરી દીધી છે.