કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સગર્ભાઓ ધાત્રી માતાઓ માટે અનેકવિધ યોજનાઓનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. મહિલાઓ આત્મનિર્ભર અને સશક્ત બની શકે તેવા આશયથી મહિલાઓના હિતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગત તા.૧૮ મી જૂન,૨૦૨૨ ના રોજ વડોદરાથી પ્રધાનમંત્રી મોદીની ઉપસ્થિતિમાં શરૂ કરવામાં આવેલી “મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના” થકી મહિલાઓને પોષણયુક્ત ખોરાક મળી રહે જેથી સગર્ભા મહિલાઓને પ્રોત્સાહન મળી રહે અને તેમના સ્વાસ્થમાં સુધારો લાવી શકાય. બાળક જન્મથી જ તંદુરસ્ત રહી શકે અને તંદુરસ્ત ભારતનું નિર્માણ કરી શકાય તેવા શુભ આશયથી આ યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં માતાની સગર્ભાવસ્થાથી લઇને બાળક ૧૦૦૦ દિવસનું થાય ત્યાં સુધી તેના સંપૂર્ણ પોષણની જવાબદારી સરકારે સ્વીકારી છે.
“મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના” થકી સગર્ભા અને ધાત્રી માતાને બે કિલો ચણા, એક કિલો તુવેરની દાળ અને એક લિટર સીંગતેલ દર મહિને આપવામાં આવે છે. સાથે-સાથે આરોગ્યની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ યોજનાનો નર્મદા જિલ્લાના રાજપીપલા ખાતે ટેકરા ફળીયામાં રહેતા રીનાબેન અજયભાઇ વસાવા અને સીમાબેન અશ્વિનભાઇ વસાવા લાભ મેળવી રહ્યાં છે.
રાજપીપલાના ટેકરા ફળીયામાં રહેતા રીનાબેન અજયભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, આંગણવાડી બહેનો થકી “મુખ્યમંત્રી માતૃશક્તિ વંદના યોજના”ની મને જાણકારી મળી હતી. ગુજરાત સરકારની આ નવી યોજનાથી મને દર મહિને બે કિલો ચણા, એક કિલો તુવેર દાળ અને એક લીટર સીંગતેલ મળે છે. આંગણવાડીના બહેનો દ્વારા જરૂરી સલાહ પણ આપવામાં આવે છે ખાસ કરીને મમતા દિવસે નિયમિત બ્લડ પ્રેસરની તપાસ કરવામાં આવે છે, સમયસર આયર્નની ગોળી આપી વજન, ઉંચાઇ માપવામાં આવે છે. રાત્રિ દરમિયાન કોઇ પણ પ્રકારની તકલીફ હોય તો આંગણવાડી બહેનો હંમેશા મદદ માટે તૈયાર હોય છે. અમારા જેવા બહેનો માટે પોષણ યુક્ત આહારની ચિંતા કરનાર સરકારનો હું આભાર માનું છું. ખરેખર ગરીબ પરિવારની સગર્ભા મહિલાઓ માટે આ યોજના આશિર્વાદ સમાન છે.
આ યોજનાના અન્ય એક લાભાર્થી સીમાબેન વસાવાએ જણાવ્યું હતુ કે, સરકારની આ નવી યોજના થકી દર મહિને મને પોષણક્ષમ આહાર આપવામાં આાવે છે. મારા પરિવારમાં સભ્યોની સંખ્યા વધુ હોવાથી પૂરતા પ્રમાણમાં ખોરાક મળતો નહતો જેના કારણે મારા બાળકનું વજન ખૂબ ઓછું હતું પરંતુ જ્યારથી “મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના” નો લાભ મળી રહ્યો છે ત્યારથી બાળક અને મારા વજનમાં પણ વધારો થયો છે મારું બાળક પણ તંદુરસ્ત છે મારા ઘરે નિયમિતપણે આંગણવાડી બહેનો મુલાકાતે આવે છે. દર મહિને ઉજવાતા મમતા દિવસે બાળકોને લઇને હું આંગણવાડીમાં પણ જાઉં છું ત્યા નિયમિતપણે બાળક અને મારા આરોગ્યની તપાસ કરવામાં આવે છે. સરકારશ્રીની આ યોજના ગરીબ પરિવારો માટે ખૂબ જ લાભદાયી છે. સરકારનું આ ઉમદા પગલું મારા બાળકના ભવિષ્ય માટે સુરક્ષા કવચ સમાન બની ગયું છે. હવે મારા બાળકને શાળામાં ધોરણ-૧ માં દાખલ કરીશ ત્યાં સુધી આ યોજનાનો લાભ મળી રહે છે જેનાથી હવે હું અને મારો પરિવાર બાળકની તદુરસ્તીને લઇને નિશ્વિંત બની ગયા છીએ.
રિપોર્ટ: દીપક જગતાપ, રાજપીપલા