રાજકોટ: ગુજરાતમાં હાલ કોરોનાની ત્રીજી લહેર કહેર મચાવી રહી છે. એક દિવસમાં નોંધાતા કેસોમાં ત્રીજી લહેરે બીજી લહેરના પણ રેકોર્ડ તોડી નાખ્યા છે. તેવામાં કોંગ્રેસ દ્વારા ફરી એકવાર રાજ્ય સરકાર પર કોરોના મુદ્દે આકરા પ્રહાર કરવામાં આવ્યા છે.
ગુજરાત કોંગ્રેસ દ્વારા પહેલાથી જ સરકાર પર કોરોનાના કેસો અને મૃત્યુના આંકડા છુપાવવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, ત્યારે કોરોનાની ત્રીજી લહેરમાં વધતા જતા કેસોને લઈ સરકારની નિષ્ફળતા મુદ્દે કોંગ્રેસે સરકારને ઘેરી છે. કોંગ્રેસ દ્વારા અત્યારે રાજ્યમાં ન્યાય યાત્રા યોજવામાં આવી રહી છે.
જેના પગલે રાજકોટમાં આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ પત્રકાર પરિષદ યોજી સરકાર પર આકરા ચાબખા માર્યા હતા. તેમણે સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, પાટીલ કોઈનું માનતા નથી, સરકાર કોરોના મૃતકોના આંકડાઓની રમત રમે છે.
સાથે જ તેમણે કોરોનાની ત્રીજી લહેરમાં રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં વધતા જતા કેસો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પાટીલની રેલીઓને જવાબદાર ગણાવી. તેમણે કહ્યું કે, હાલ CM પટેલ અને પાટીલની રેલીએ કેસ વધાર્યા છે, આ મુદ્દે રૂપાણીએ હાઇકમાન્ડને રજૂઆત કરવી જોઈએ.