દેશની સૌથી મોટી તપાસ એજન્સી સેન્ટ્રલ ઈન્વેસ્ટીગેશન બ્યુરોમાં ઘણા સમયથી ચાલી રહેલા વિવાદ પર આજે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને તગડો ઝટકો આપ્યો છે. કોર્ટે સીવીસીના નિર્ણયને પલટતા આલોક વર્માને રજા પર મોકલવાનો નિર્ણય રદ્દ કર્યો છે. આ નિર્ણય સાથે જ એ સ્પષ્ટ થઈ ગયું કે આલોક વર્મા સીબીઆઈના ચીફ બની રહેશે.
ફક્ત ઉચ્ચ સ્તરીય સિલેક્ટ કમિટી કરશે વર્મા પર નિર્ણય
પોતાના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે સરકારને કાયદા અંતર્ગત સીબીઆઈ ચીફ આલોક વર્માને રજા પર મોકલવાનો કોઈ અધિકાર નથી. ફક્ત સિલેક્ટ કમિટીની પાસે જ એ અધિકાર છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે હાઈ પાવર સિલેક્ટ કમિટીમાં પ્રધાનમંત્રી, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને લોકસભામાં નેતા વિપક્ષ હશે.
કોર્ટે એ પણ કહ્યું કે આ કમિટી એક અઠવાડિયામાં વર્મા મામલે કાર્યવાહી પર નિર્ણય કરે. આ દરમિયાન આલોક વર્મા કોઈ પણ નીતિગત નિર્ણય નહીં લઈ શકે. કોર્ટે એ પણ કહ્યું કે હવે પછી આવા મોટા નિર્ણયમાં ઉચ્ચ સ્તરીય કમિટી જ નિર્ણય કરશે.
એક સપ્તાહ સુધી નીતિગત નિર્ણય નહીં લે વર્મા
આ મામલે વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે કોર્ટના નિર્ણયની જાણકારી આપતા કહ્યું કે કોર્ટે સરકાર અને સીવીસીના નિર્ણયને પલટતા સીબીઆઈ ચીફ આલોક વર્માને પદ પર પુનર્સ્થાપિત કરવાનો નિર્ણય સંભળાવ્યો છે.
સાથે જ પ્રધાનમંત્રી, નેતા વિપક્ષ અને સીજેઆઈ વાળી ઉચ્ચ સ્તરીય કમિટી પાસે આ કેસ મોકલવા માટે કહ્યું છે. આ કમિટી એક સપ્તાહમાં તેના પર નિર્ણય લેશે. પ્રશાંત ભૂષણે તેને વર્માની અધૂરી જીત જણાવતા કહ્યું કે આ દરમિયાન વર્મા કોઈ પણ નીતિગત નિર્ણય નહીં લઈ શકે.