અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન (Hospitals and Nursing Homes Association) સાથે સંકળાયેલી ખાનગી હોસ્પિટલોને ફરી એકવાર સરકારી મેડિક્લેમની સુવિધા આપતી કંપનીઓ સાથે તકલીફ થઈ છે. એવા ઘણા મુદ્દા છે જે આ કંપનીઓ દ્વારા ઉકેલવામાં આવતા નથી, જેના કારણે આ સરકારી કંપનીઓએ કેશલેસ સુવિધાઓને સ્થગિત કરવાની જાહેરાત કરી છે. આ કેશલેસ સુવિધાઓને સ્થગિત કરવાનો સીધો અર્થ એ થયો કે જો તમારી પાસે સરકારી કંપની તરફથી મેડિક્લેમ હોય તો પણ 8 ઓગસ્ટથી 15 ઓગષ્ટ સુધી કેશલેસ સુવિધાઓ સ્થગિત કરવામાં આવી છે. જેથી સુવિધાનો ફાયદો નહીં થાય.
આમ ફરી એકવાર ખાનગી હોસ્પિટલો અને સરકારી વીમા કંપનીઓ વચ્ચે તુ તુ મેં મેં નો ભોગ દર્દીઓ અને તેમના સગાઓને બનવું પડ્યું છે. અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ હોમ્સ એસોસિએશનના પ્રતિનિધિઓએ જણાવ્યું છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓને અસંખ્ય રજૂઆતો કરવામાં આવી છે, છતાં જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો, આ કંપનીઓના આરોગ્ય વીમા ધારકોની કેશલેસ સુવિધા 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી સ્થગિત કરવામાં આવશે.
જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓ કે જેની કેશલેસ સુવિધા સ્વાસ્થ્ય વીમા ધારકો માટે સ્થગિત કરવામાં આવશે તેમાં ધ ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની લિ., નેશનલ ઈન્સ્યોરન્સ કંપની લિ., યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની લિ., અને ધ ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સ કંપની લિ.નો સમાવેશ થાય છે. AHNA દ્વારા જણાવવામાં આવ્યું છે કે ધીમે ધીમે સમસ્યાઓ ઘટવાને બદલે વધી રહી છે. આ વીમા કંપનીઓનો પ્રતિભાવ દર્શાવે છે કે તેઓ હોસ્પિટલો કે તેમના પોલિસી ધારકોની કાળજી લેતા નથી.
દર્દીઓને સારી સુવિધા મળે તેવી AHNA દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે. ઉપરાંત, વીમા કંપનીઓ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી હોસ્પિટલો સાથે કરાયેલા MoUsમાં ચાર્જિસમાં કોઈ સુધારો કરવામાં આવ્યો નથી. આ સિવાય અન્ય કેટલાક પ્રશ્નો છે જે વારંવાર ઉઠાવવામાં આવ્યા છે. જેમાં કેટલાક ઓપરેશનો માટે વીમા કંપની દ્વારા ફિક્સ્ડ ચાર્જિસ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં કેટલીક પ્રક્રિયાઓ તથા ડાયાબિટીસ, હ્રદય રોગ જેવા રોગને ધ્યાનમાં લેવામાં આવતા નથી.
આ સિવાય ખૂબ ઓછા ચાર્જને કારણે ગુણવત્તાયુક્ત સારવાર આપી શકાતી નથી. છેલ્લા કેટલાક વર્ષોથી જે હોસ્પિટલોના ચાર્જિસમાં સુધારો કરવામાં આવ્યો નથી તેમના ચાર્જમાં હેલ્થ ઈન્ફેક્શન ઈન્ડેક્સ મુજબ વાર્ષિક 6% વધારો કરવો જોઈએ. દર્દીઓને વળતરમાં સમસ્યાઓનું નિવારણ કરો. તેમજ જટિલ શસ્ત્રક્રિયામાં સાધનસામગ્રી માટે ચાર્જ કાપવા, અદ્યતન નિદાન માટે ચાર્જ કાપવા, કેન્સર જેવા રોગોની અદ્યતન સારવાર માટે નાણાં કાપવા, હવાઈ ભાડાની ચૂકવણીમાં વિલંબ, ક્લેઈમ માટે સ્ટાફ દ્વારા બિનજરૂરી સવાલ ઉભા કરીને વીમાના નાણા ચૂકવણીમાં વિલંબ કરવો, જેવા ઘણા પ્રશ્નો છે.
AHNAએ તમામ હોસ્પિટલોને નેટવર્કમાં સામેલ કરવાની માંગ પણ કરી છે. જો AHNAના આ પગલાં પછી પણ કોઈ ઉકેલ નહીં આવે તો, AHNAએ લાંબા સમય સુધી કેશલેસ સુવિધાઓ બંધ કરવાની ચીમકી આપી છે. પરંતુ આને કારણે ઘણા દર્દીઓ અને તેમના પરિજનોને હાલાકી ભોગવવાનો વારો આવશે.