વડોદરા: હરિધામ સોખડા મંદિરનો વિવાદનો કોકડો હજુ ગૂંચવાયેલો છે. ત્યારે સંતોના ડરથી છેલ્લા 11 દિવસથી ભૂગર્ભમાં ઉતરેલા અનુજ ચૌહાણ અને તેના પરિવારની હજી સુધી કોઈ ભાડ મળી રહી નથી.
તેવામાં વડોદરા તાલુકા પોલીસે અનુજને ત્રણ દિવસમાં હાજર થવા માટે ફરમાન આપ્યું છે અને તેના સોમા તળાવ પાસે આવેલા ઘરના દરવાજે પોલીસે ત્રીજી નોટીસ પણ ચોંટાડી દીધી છે.
મળતી માહિતી મુજબ, વડોદરાના સોખડા હરિધામનો થોડા દિવસ પહેલા એક વીડિયો જે મામલે ભોગ બનનાર સેવક અનુજ ચૌહાણ કોર્ટના શરણે પહોંચી ગયો હતો અને ફરિયાદ નોંધાવી હતી. અનુજે કોર્ટમાં આરોપ લગાવ્યો છે કે ગ્રામ્ય પોલીસે તેની ફરિયાદ નથી નોંધી રહી.
બીજી તરફ કોર્ટે અનુજના આરોપોની ગંભીરતા જોતા ત્યાગવલ્લભ સ્વામી સહિત કુલ 11 સંતો સામે ફરિયાદ દાખલ કરી હતી. સાથે જ પોલીસને 7 દિવસમાં કરેલી તપાસનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવા પણ આદેશ કર્યો હતો.
જોકે, અનુજ ચૌહાણ અને તેનો પરિવાર વડોદરામાં પોતાના ઘરે નથી અને તે ક્યાં ગુમ થઈ ગયો છે તેની કોઈ ભાડ મળી રહી નથી. તેવામાં આ મામલે સંતોના હાથે માર ખાનાર અનુજ ચૌહાણને વડોદરા તાલુકા પોલીસે ત્રીજી નોટિસ ફટકારી છે.
અનુજ ચૌહાણને ત્રણ દિવસમાં હાજર થવા પોલીસનું વધુ એક ફરમાન કર્યુ છે. અગાઉ 12 જાન્યુઆરી એ પોલીસે બીજી નોટિસ આપી નિવેદન નોંધાવવા બોલાવ્યો હતો. હવે અનુજ નિવેદન નોંધાવવા ન આવતા પોલીસે ત્રીજી નોટિસ ફટકારી છે.
મળતી માહિતી અનુસાર તાલુકા પોલીસના અધિકારીઓએ જણાવતા કહ્યું હતું કે, અનુજ અને તેનો પરિવાર પોલીસ સાથે હવે સીધો સંપર્કમાં નથી. તેને અનેક વખત મેસેજ કરવામાં આવ્યા છે, પરંતું તેનો કોઈ પણ પ્રકારનો જવાબ પણ મળતો નથી અને જ્યારે ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે.