ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બસ સેવા આજથી ફરી શરૂ થઈ. કોરોના મહામારીને કારણે તે બે વર્ષથી બંધ હતી. ઢાકા-કોલકાતા-ઢાકા બસને ઢાકામાં લીલી ઝંડી બતાવીને રવાના કરવામાં આવી.
આ પહેલા 29 મેના રોજ બંને દેશો વચ્ચે રેલ સેવા ફરી શરૂ કરવામાં આવી હતી. COVID-19ને ધ્યાનમાં રાખીને માર્ચ 2020થી ટ્રેન સેવા સ્થગિત કરવામાં આવી હતી. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે ટ્રેન દોડે છે. એક બંધન એક્સપ્રેસ કોલકાતા અને ખુલનાની વચ્ચે તો બીજી મૈત્રી એક્સપ્રેસ કોલકાતાને ઢાકા સાથે જોડે છે.
બસ સેવાઓ પુનઃ શરૂ થવાના પ્રસંગે ઢાકા સ્થિત ભારતીય હાઈ કમિશને ટ્વીટ કર્યું, ‘ભારત-બાંગ્લાદેશ ક્રોસ-બોર્ડર બસ સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી છે. અગરતલા-અખૌરા અને હરિદાસપુર-બેનાપોલના માધ્યમથી ભારત-બાંગ્લાદેશ બસ સેવાઓ ફરીથી શરુ થઇ. ઢાકા-કોલકાતા-ઢાકા બસને આજે સવારે ઢાકામાં લીલી ઝંડી બતાવીને રવાના કરવામાં આવી.’
બાંગ્લાદેશ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (BRTC)ના અધ્યક્ષ તાઝુલ ઈસ્લામે ગુરુવારે બસ ફરી શરૂ કરવાની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ઢાકા-સિલહેટ-શિલોંગ-ગુવાહાટી-ઢાકા માર્ગને છોડીને ચાર અન્ય માર્ગો પર સેવા શુક્રવારથી ફરીથી શરુ થઈ. પ્રથમ બસ ઢાકાની મોટીઝીલથી શુક્રવારે સવારે 7:00 કલાકે રવાના થઈ.