કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2022-23 માટે બજેટ રજૂ કરશે. મહામારીના કારણે સરકાર આ વખતે પણ પેપરલેસ બજેટ રજૂ કરવા જઈ રહી છે. બજેટ રજૂ કરવાની તારીખ 1 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે. પરંતુ તેની તૈયારી કેટલાક મહિનાઓ અગાઉથી શરૂ થઈ જાય છે.
બંધારણમાં ક્યાં છે તેનો ઉલ્લેખ?
બંધારણમાં બજેટનો સીધો ઉલ્લેખ નથી. જોકે બંધારણની કલમ 112 ‘વાર્ષિક નાણાકીય નિવેદન’ની વાત કરે છે. આ કલમ હેઠળ, સરકાર માટે દર વર્ષે તેની આવક અને ખર્ચની વિગતો આપવી ફરજિયાત છે. આ કલમ પ્રમાણે રાષ્ટ્રપતિને બજેટ રજૂ કરવાનો અધિકાર છે.
પરંતુ રાષ્ટ્રપતિ પોતે બજેટ રજૂ કરતા નથી. કોઈપણ મંત્રીને તેમના વતી બજેટ રજૂ કરવા માટે કહી શકે છે. ઉદાહરણ તરીકે જ્યારે અરૂણ જેટલી બીમાર હતા ત્યારે પીયૂષ ગોયલ નાણામંત્રી ન હોવા છતાં તેમણે બજેટ રજૂ કર્યું હતું. જોકે સામાન્ય રીતે બજેટ નાણામંત્રી દ્વારા રજૂ કરવામાં આવે છે.
શું છે બજેટ?
બજેટ એક વર્ષ માટે હોય છે. બજેટ રજૂ કરતા પહેલા એક સર્વે કરવામાં આવે છે. જેમાં સરકારની કમાણીનો અંદાજ લગાવવામાં આવે છે. બજેટમાં સરકાર પ્રત્યક્ષ કર, પરોક્ષ કર, રેલ્વે ભાડાં અને વિવિધ મંત્રાલયો દ્વારા કેટલી કમાણી કરશે તેનો અંદાજ લગાવે છે. આ સર્વેમાં એ પણ જાણવામાં આવે છે કે આગામી વર્ષમાં સરકારના ખર્ચનો અંદાજ કેટલો આવશે.
સીધા શબ્દોમાં કહીએ તો બજેટ એ એક વર્ષમાં થનારી અંદાજિત આવક અને ખર્ચની વિગતો છે. નાણામંત્રી બજેટ ભાષણમાં આ કમાણી અને ખર્ચની વિગતો આપે છે. તેને સામાન્ય બજેટ અથવા ફેડરલ બજેટ કહેવામાં આવે છે.
ભારતમાં બજેટ તૈયાર કરવાની જવાબદારી કોની?
ભારતમાં બજેટ તૈયાર કરવાનું કામ ઘણું જટિલ છે. બજેટ તૈયાર કરવામાં નાણા મંત્રાલય સાથે નીતિ આયોગ અને ખર્ચ સંબંધિત મંત્રાલયો પણ સામેલ થાય છે. નાણા મંત્રાલય આ વિવિધ મંત્રાલયોની વિનંતી પર ખર્ચનો પ્રસ્તાવ તૈયાર કરે છે. આ પછી, બજેટ બનાવવાનું કામ નાણાં મંત્રાલય હેઠળના આર્થિક બાબતોના વિભાગના બજેટ સેક્શન દ્વારા કરવામાં આવે છે.