બ્રિજ સિટી તરીકે પ્રખ્યાત સુરત સિટીમાં નવો અને 118મો બ્રિજ મળવા જઈ રહ્યો છે. જે ગુજરાતનો સૌથી લાંબો 2643 મીટર છે. આ બ્રિજના કારણે 15 લાખ લોકોને ફાયદો થશે.
બ્રિજના કારણે શહેરના વરાછા વિસ્તાર થઈ સુરત-કામરેજ રોડ તરફ જવા માટે પણ અલગ રેમ્પ અપાયો છે. અને રીંગરોડથી વરાછા વિસ્તાર થઈ સુરત-કામરેજ રોડ તરફ જવા માટે પણ એક નવી કનેક્ટિવિટી બનાવાઈ છે.
133.50 કરોડના ખર્ચે બનનાર આ ફ્લાય ઓવર-રેલવે ઓવર બ્રિજના કારણે સુરત શહેરની ટ્રાફિક સમસ્યામાંથી મોટી રાહત મળશે. જેથી લોકોના સમય અને ઈંધણ સાથે શહેરના પ્રદૂષણમાં ઘટાડો થતા એર ક્વોલિટી ઈન્ડેક્ષમાં પણ સુધારો થશે.
આ બાબતે માહિતી આપતા સ્થાયી સમિતિના અધ્યક્ષે જણાવ્યું કે, સુરત શહેરમાં જે પ્રકારે સતત વિકાસ થઈ રહ્યો છે. તેની યાદીમાં વધુ એક બ્રિજના ઉમેરો થયો છે. આ બ્રિજ ગુજરાતના રેલવે ઓવરબ્રિજમાં સૌથી લાંબા બ્રિજમાં સ્થાન પામ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, રેલવે ઓવરબ્રિજની લંબાઈ અને ઊંચાઈ ખૂબ જ મહત્વની છે. આ બ્રિજ ટેકનિકલ રીતે પણ ખૂબ જ મજબૂત બન્યો છે અને દેખાવની દ્રષ્ટિએ પણ સુંદર લાગી શકે છે.