અમદાવાદના ખાડીયા વિસ્તારમાં ધોળા દિવસે ભાજપના કાર્યકર્તાની હત્યા થતા ચકચાર મચી ગઈ છે. હાલ સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે હત્યારાઓને શોધવા માટે ચક્રોગતિમાન કર્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આંબાવાડીમાં રહેતા અને ગાંધીરોડ પર કેબલ ઓપરેટરનો વ્યવસાય કરતા રાકેશ ઉર્ફે બોબી મહેતાની ધોળા દિવસે હત્યા કરી દેવાઇ છે. હત્યાના આ બનાવને લઈને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા છે. પોલીસની તપાસમાં સામે આવ્યું કે, હત્યા કરનાર કુખ્યાત મોન્ટુ નામદાર હતો.
ત્યારે ઘટનાની જો વિગતે વાત કરીએ તો ખાડીયાની હજીરાની પોળમાં આવેલ ચોકમાં રાકેશ ઉર્ફે બોબી ઉભો હતો, ત્યારે મોન્ટુ નામદાર સહિત અજાણ્યા પાંચ જેટલા શખ્સો આવી પહોંચ્યા હતા અને રાકેશને જાહેરમાં બેઝબોલ ડંડા અને લાકડીઓ વડે માર મારી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જો કે, રાકેશને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં હાજર ડોકટરે તેને મૃત જાહેર કર્યો. ત્યારે હવે આ મામલે ખાડીયા પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ભાજપના સક્રિય કાર્યકતા રાકેશ ઉર્ફે બોબી મહેતાની અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી છે. કુખ્યાત મોન્ટુ નામદારની સામે અનેક ગુના નોંધાયેલા છે. મોન્ટુ નામદાર અગાઉ પણ એક હત્યા કરી ચૂક્યો છે. હાલ સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે આરોપીની શોધખોળ શરૂ કરી છે.