હિન્દી સિનેમાના સુંદર અભિનેતાઓની યાદીમાં સમાવિષ્ટ આયુષ્માન ખુરાનાનો 14 સપ્ટેમ્બરે એટલે કે આજે જન્મદિવસ છે. તેમનો જન્મ 1984માં ચંડીગઢમાં થયો હતો. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત રેડિયો અને ટીવી રિયાલિટી શૉથી કરી હતી અને આજે તેઓ બોલિવૂડ સહિત લાખો દિલો પર રાજ કરી રહ્યા છે. ચાલો આજે તેમના જન્મદિવસ પર તેમની સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જાણીએ.
તેમના સ્ટ્રગલના દિવસોમાં આયુષ્માન ખુરાના કોલેજના મિત્રો સાથે ગોવા ગયા હતા. કહેવાય છે કે, તે સમયે આયુષ્માન ખુરાના પાસે પ્રવાસ માટે પૂરતા પૈસા નહોતા. આ કારણે તેમણે તે સમયે ટ્રેનમાં ગીત ગાઈને પૈસા ભેગા કર્યા હતા. આ પછી તેઓ સતત ટ્રેનમાં ગીતો ગાવાનું શરૂ કર્યું અને પોકેટ મની ભેગી કરવાનું શરૂ કર્યું. એન્કર, ગાયક અને અભિનેતા આયુષ્માન ખુરાનાએ માત્ર 17 વર્ષની ઉંમરે ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો.
ચેનલ ‘V’ના શૉ ‘પોપસ્ટાર્સ’માં ભાગ લેનાર તેઓ સૌથી યુવા સ્પર્ધક હતા. ફિલ્મોમાં આવતા પહેલા આયુષ્માન ખુરાના રેડિયો પર RJ તરીકે કામ કરતા હતા. બિગ એફએમ પર તેમનો શૉ ‘માન ન માન, મેં તેરા આયુષ્માન’ સુપરહિટ રહ્યો હતો. આયુષ્માન ખુરાના MTVનો લોકપ્રિય શૉ રોડીઝ જીત્યા બાદ ચર્ચામાં આવ્યા હતા. આ પછી આયુષ્માને એમટીવી માટે ઘણા શૉ કર્યા. દિગ્દર્શક શૂજિત સરકારે તેમને ફિલ્મી દુનિયામાં પહેલો બ્રેક આપ્યો.
વર્ષ 2012માં આયુષ્માન ખુરાનાએ શૂજિત સરકારની સુપરહિટ ફિલ્મ ‘વિકી ડોનર’થી ડેબ્યૂ કર્યું હતું. આયુષ્માન ખુરાનાને આ ફિલ્મ માટે અનેક એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. ‘વિકી ડોનર’ પછી આયુષ્માન ખુરાનાની ગાડીએ ક્યારેય બ્રેક નથી મારી. આ પછી તેમણે ‘નૌટંકીસાલા’, ‘બેવકુફિયાં’, ‘હવાઇ ઝાદા’ ફિલ્મોમાં કામ કર્યું. આ ફિલ્મો બોક્સ ઓફિસ પર સપાટ પડી. આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘દમ લગાઈ હૈઇશા’ 2015માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ પછી આયુષ્માનની કારકિર્દીએ ફરીથી ગતિ પકડી અને આ પછી એકથી એક હિટ ફિલ્મો આપી.
જો આપણે એવોર્ડ ફંક્શનની વાત કરીએ તો અત્યાર સુધીમાં આયુષ્માન ખુરાનાને 16 નોમિનેશન મળ્યા છે, જેમાં તેમણે 12 વખત એવોર્ડ જીત્યા છે. આયુષ્માન ખુરાનાએ પોતાની 6 વર્ષની ફિલ્મી કારકિર્દીમાં અત્યાર સુધીમાં 10 ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં ‘અંધાધુંધ’ અને ‘બધાઇ હો’ ફિલ્મો રિલીઝ થવાની છે. તેમની હિટ લિસ્ટમાં ‘વિકી ડોનર’ ઉપરાંત ‘દમ લગા કે હૈઇશા’ અને ‘શુભ મંગલ સાવધાન’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.