ચીનનો જન્મદર સતત પાંચમા વર્ષે ઘટ્યો છે. વર્ષ 2021માં ચીનની વસ્તીમાં 5 લાખથી ઓછો વધારો થયો છે. આ સાથે જ ગત વર્ષના અંત સુધીમાં ચીનની વસ્તી વધીને 1.4126 અબજ થઈ ગઈ છે. વસ્તીમાં યોગ્ય વૃદ્ધિના અભાવને કારણે, વિશ્વના આ સૌથી વધુ વસ્તીવાળા દેશમાં જનસાંખ્યાકીય સંકટ અને આર્થિક મંદીનો ભય ઘેરો બનવા લાગ્યો છે.
ચીનના રાષ્ટ્રીય આંકડાકીય બ્યુરો (NBS) અનુસાર, ચીનની વસ્તી 2020માં 1.40120થી 2021ના અંત સુધીમાં નજીવી રીતે વધીને 1.4126 થઈ. આ રીતે ગત વર્ષની સરખામણીમાં 2021માં ચીનની વસ્તીમાં માત્ર 4,80,000નો વધારો થયો છે.
હોંગકોંગ સ્થિત સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટે અહેવાલ આપ્યો છે કે 2021માં 162 મિલિયનથી વધુ બાળકોનો જન્મ થયો હતો. જ્યારે 2020માં 1.20 કરોડ બાળકોનો જન્મ થયો હતો. આ મહિનાની શરૂઆતમાં, ચીનના ત્રીજા સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્ય હેનાનમાં વહીવટી અધિકારીઓએ અહેવાલ આપ્યો હતો કે 2020માં નવજાત શિશુઓની સંખ્યા ઘટીને 9,20,000 થઈ ગઈ છે.
2019ની સરખામણીમાં તેમાં 23.3 ટકાનો ઘટાડો થયો છે. આ સાથે જન્મ દર ઘટીને 9.24 પ્રતિ 1000 લોકો પર આવી ગયો છે.
નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે ચીનમાં જનસાંખ્યાકીય સંકટ આવી શકે છે. જેનાથી તેની ઝડપથી વિસ્તરી રહેલા આર્થિક વિકાસ સામે જોખમ ઉભું થઈ શકે છે. આવી સ્થિતિમાં કામદારો અને આશ્રિત વ્યક્તિઓ (પેન્શન અને અન્ય લાભોથી નિવૃત્ત) પર પ્રતિકૂળ અસર થઈ શકે છે. જે અર્થતંત્ર પર દબાણ લાવી શકે છે.
દેશની વસ્તી અપેક્ષા મુજબ ન વધી રહી હોય અને જન્મ દરમાં ઘટાડો થાય તે માટે ચીનના પ્રાંતોએ ત્રણ બાળકની નીતિ અને અન્ય ઘણા પગલાં લેવાનું શરૂ કર્યું છે. બિજિંગ, સિચુઆન અને જિઆંગસી પ્રાંતોએ પેરેંટલ લીવ, મેટરનિટી લીવ, લગ્નની રજા અને પિતૃત્વ રજા જેવા સહાયક પગલાં રજૂ કર્યા છે એમ સરકારી ઝિન્હુઆ ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે.