RRB-NTPC પરીક્ષાને લઈને ચાલી રહેલા હોબાળા વચ્ચે વિદ્યાર્થીઓને ભડકાવવાના આરોપમાં કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. બિહારની રાજધાની પટનામાં, પત્રકાર નગર પોલીસ સ્ટેશનમાં ખાન સર સહિત અનેક કોચિંગ સંસ્થાઓના 6 શિક્ષકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, વીડિયો ફૂટેજ અને સ્થળ પરથી ધરપકડ કરાયેલા લોકોના નિવેદનોના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. હવે તેમના પર લાગેલા આરોપો પર ખાન સરનું નિવેદન સામે આવ્યું છે.
અમે બાળકોને રોકી રાખ્યા હતા-ખાન સર
વિદ્યાર્થીઓને ઉશ્કેરવાના આરોપો પર ખાન સરે મીડિયા સાથે વાતચીત કરી છે. વાતચીતમાં ખાન સરે આવા તમામ આરોપોને ફગાવી દીધા અને કહ્યું કે તેઓ વિદ્યાર્થીઓને શાંતિ જાળવવાની અપીલ કરી રહ્યા હતા. ખાન સરે કહ્યું, “અમે પહેલા ફક્ત ડિજિટલ આંદોલન શરૂ કર્યું હતું. અમે બાળકોને રોકીને રાખ્યા હતા. વિદ્યાર્થીઓ તો RRBના નિર્ણય બાદ ગુસ્સે થયા હતા. અમને તો પ્રદર્શન શરૂ થયા બાદ માહિતી મળી હતી.”
RRB જો બાળકો સાથે વાત કરી લેતું તો પ્રદર્શન ન થાત-ખાન સર
ખાન સરે વધુમાં કહ્યું, “અમે તો બાળકોને પ્રદર્શન કરવાની મનાઈ કરી રહ્યા છીએ. જો RRBએ બાળકો સાથે વાત કરી હોત, તો પ્રદર્શન ન થયું હોત.” ખાન સર તેમની યુટ્યુબ ચેનલને કારણે ખૂબ જ લોકપ્રિય છે. તેમના ફૉલોઅર્સ લાખોની સંખ્યામાં છે, પરંતુ હવે તેમના પર તપાસની તલવાર લટકી રહી છે.
બિહારમાં બબાલ જારી
બિહારમાં રેલવેની NTPC પરીક્ષામાં કથિત ધાંધલીને લઈને જે ચિંગારી ભડકી હતી, તે શાંત થવાનું નામ નથી લઈ રહી. બુધવારે સતત ત્રીજા દિવસે વિદ્યાર્થીઓએ ટ્રેનોને નિશાન બનાવી. ગયામાં વિદ્યાર્થીઓએ ટ્રેનના ઘણા ડબ્બા આગને હવાલે કરી દીધા હતા. આગ એટલી જોરદાર લાગી કે ઘણા કલાકો સુધી આવી જ્વાળાઓ ઉઠતી રહી, અહીં વિદ્યાર્થીઓને કાબૂમાં કરવા માટે સુરક્ષાદળોએ પણ સંપૂર્ણ બળ લગાવવું પડ્યું.