દિલ્હીમાં કોરોના નિયમોને લઈને યોજાયેલી ડીડીએમએની સમીક્ષા બેઠકમાં વીકએન્ડ કર્ફ્યૂં, બજારો માટે ઓડ-ઇવન નિયમોને સમાપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૂત્રો તરફથી એવું પણ જાણવા મળે છે કે, દિલ્હીમાં વીકએન્ડ કર્ફ્યૂં હટાવી દેવામાં આવ્યો છે પરંતુ નાઇટ કર્ફ્યૂ ચાલુ રહેશે. દિલ્હીમાં સતત ઘટી રહેલા કોરોના કેસ અને ઘટતા સંક્રમણના દરને ધ્યાનમાં રાખીને આ નિર્ણયો દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA)ની બેઠકમાં લેવામાં આવ્યા છે, જેની ઔપચારિક જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. ડીડીએમએની આ બેઠકની અધ્યક્ષતા દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલે કરી હતી.
બેઠકમાં આ નિયમો હળવા કરવાની સૂચના
– શાળાઓ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ અત્યારે બંધ રહેશે, DDMAની આગામી બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે.
– નાઇટ કર્ફ્યૂ યથાવત રહેશે.
– ઓડ-ઈવન નિયમો ખતમ થશે.
– લગ્ન સમારોહમાં પણ 200 લોકોને સામેલ થવાની મળશે છૂટ, હાલ માત્ર 150 લોકોને સામેલ થવાની મંજૂરી છે.
– 50 ટકા સીટ ક્ષમતા સાથે બાર અને રેસ્ટોરન્ટ ખોલી શકાશે.
– સિનેમા હોલ 50 ટકા ક્ષમતા સાથે ખુલશે. હાલમાં સિનેમા હોલ સંપૂર્ણપણે બંધ છે.
– દિલ્હીની સરકારી ઓફિસો 50 ટકા ક્ષમતા સાથે ખુલશે.
– કોવિડ સંબંધિત નિયમોનું પાલન કરવું જરૂરી રહેશે.
– નિયમોનો ચુસ્તપણે અમલ કરવામાં આવશે.
નોંધનીય છે કે, શુક્રવાર રાત્રે 10.00 વાગ્યાથી સોમવારે સવારે 5.00 વાગ્યા સુધી દિલ્હીમાં વીકએન્ડ કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો, જે હવે લાગુ થશે નહીં. પરંતુ દરરોજ રાત્રે 10.00 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધીનો નાઇટ કર્ફ્યૂ યથાવત રહેશે.