ગ્રામસેવક વર્ગ-3ની ભરતીને લઈ પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું કે, રાજ્યના યુવાનોને સરકારી સેવાનો વધુને વધુ લાભ મળે એ હેતુસર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા અનેક મહત્વના નિર્ણયો કરવામાં આવી રહ્યા છે.
આ અંતર્ગત ગ્રામસેવક વર્ગ-3ની ભરતીમાં બેચલર ઓફ રૂરલ સ્ટડીઝ અભ્યાસક્રમની વિવિધ શાખાઓનો સમાવેશ કરવાનો મહત્વનો અને યુવાહિતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.
મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું કે, લોકભારતી લોકસેવા મહાવિદ્યાલય, સણોસરા દ્વારા પંચાયત સેવાની ગ્રામસેવક વર્ગ-૩ની ભરતી માટેની શૈક્ષણિક લાયકાતમાં બધા જ BRS સ્નાતક અભ્યાસક્રમોનો સમાવેશ કરવા રાજ્ય સરકારને રજૂઆતો મળી હતી જેને ધ્યાને લઈને આ મહત્ત્વનો નિર્ણય લેવાયો છે.
મંત્રી બ્રિજેશ મેરજાએ ઉમેર્યું કે, રાજ્યમાં વધુમાં વધુ યુવાનો ગ્રામ વિકાસની કામગીરીમાં જોડાય અને પોતાની કારકિર્દી બનાવે તે માટે રાજ્ય સરકાર દ્વારા આ યુવાહિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. જે પ્રમાણે બેચલર ઓફ રૂરલ સ્ટડીઝ (BRS)નો પંચાયત સેવા વર્ગ-3ની ભરતીમાં સામેવશ કરવા માટે રાજ્ય સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે.